માનવીનું તન ભલે ગામા પહેલવાન જેવું કરાયેલું અને બોક્સર મોહમદઅલીના મુક્કાની તાકાતની ઔકાત ધરાવતું હોય પણ મન જો શિખંડી જેવું નપુંસક હોય તો ગમે તેવા રેશનાલિસ્ટના અચેતન મનમાં પણ ઊંડે ઊંડે અપશુકન કે અંધશ્રદ્ધા નામના શબ્દો કાયમી ભાડુઆતની જેમ રહેતા જ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તન અને તંદુરસ્તીનો કરક ગ્રહ સૂર્ય છે અને ચંદ્ર સીધો જ મન સાથે સંકળાયેલો ગ્રહ છે. અમને મળેલા મોટાભાગના વહેમીલા અને અંધશ્રદ્ધાળુ જાતકોની કુંડળીમાં શનિ ચંદ્રની યુતિ અગર રાહુ ચંદ્રની યુતિ ધ્યાનમાં આવી છે. ક્યારેક એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, કુંડળીમાં બુધ સાથે પ્લુટો જોડાય ત્યારે પણ જાતક વહેમીલો અને અંધશ્રદ્ધાળુ બને છે કારણ કે પ્લુટો નામનો યમરાજ મનુષ્યની બુધ નામની સર્વ સિસ્ટમમાં પ્રવેશ કરી તેને મીસબિલીફ તરફ દોરી જાય છે.

એક ભાઇ નિર્ધારિત સમય કરતાં એક કલાક અમને મોડા મળવા આવ્યા. અમે એમને કારણ પુછ્યું તો ખબર પડી કે ઘેરથી નીકળતા બિલાડી આડી ઉતરેલી એટલે શરીર પર ગંગાજળ છાંટી અડધો કલાક આરામ કરી પ્રસ્થાન કર્યું. અગત્યના કાર્ય માટે બહાર નીકળો તો ક્યારેક દૂધવાળો સામો મળે તો ક્યારેક છીંક ખાય અને માનવીનું અચેતન મન ખચકાય. બિલાડી આડી ઉતરે તે બાબતે અમારા ગામના મંગુ ડોશી એક વાર્તા કહેતા. તેઓ હસતા હસતા કહેતા કે બેટા ગણપતિદાદાનું વાહન ઉંદર છે એટલે એમને બિલાડી ગમે નહિ. આથી બિલાડીનો સામાજિક બહિષ્કાર કરવાના ભાગરૂપે બિલાડી અપશુકનિયાળ તેવી પ્રોપેગંડા ફેલાવેલી. જ્યોતિષશાસ્ત્રમાં પણ મૂષક યોની અને માર્જાર યોની (ઉંદર-બિલાડી)ને વેર યોની ગણી છે. ઉંદર બિલાડીનું વેર સૂર્ય અને શનિની માફક પુરાણોક્ત અને અતિ પ્રાચીન છે.

શિવના અતિ પવિત્ર પુત્ર ગણેશજીનો પિતા શિવ દ્વારા શિરોચ્છેદ થયેલો તે પહેલા ગણેશજીએ બિલાડી જોયેલી આથી ગણેશજી સ્વયં પણ એવું માનતા કે તેમના શીરોચ્છેદ બાબતે બિલાડી જવાબદાર પ્રાણી છે આથી બિલાડીને તેમણે શ્રાપ આપેલો કે જ્યારે જ્યારે તું મનુષ્ય જાતિની આડે ઉતરીશ ત્યારે ત્યારે તેનું શુભ કાર્ય અવરોધાશે. અલબત્ત, આ દંતકથા દાંતતોડ હોય એવું લાગે છે. છીંકને અપશુનિયાળ માનનારા ઇટલીના પોપ ગેગરીની 956 એડીના સમયની વાત સમજવા જેવી છે. 965 એડી દરમિયાન પ્લેગની મહામારી શરૂ થયેલી અને પ્લેગનો રોગ શરૂ થતાં પહેલા દર્દીને ઉપરાઉપરી છીંકો આવતી. આથી પોપે ચર્ચમાં બોર્ડ મારેલું કે છીંક મૃત્યુ અને મહામારીનો સંદેશ છે. આથી છીંક આવે ત્યારે આજુબાજુ ઉભેલા વ્યક્તિઓએ “ગોડ બ્લેસ યુ” બોલવું. આમ છેક 965 એડીના સમયથી છીંક અપશુકન અને “ગોડ બ્લેસ યુ” વાક્ય શુકન બની ગયા. જોવા જેવી વાત એ છે કે 13 જાન્યુઆરી 912 એડીમાં જન્મેલા પોપ ગેગરીની કુંડળીમાં મનના કારક ચંદ્ર સાથે રાહુ અને શનિ યુતિ કરે છે.

શ્રદ્ધા – અંધશ્રદ્ધા પર ચર્ચા કરીએ તો 1984ના ક્રિકેટ વર્લ્ડ ક વિજેતા ટીમના મેન ઓફ ધ મેચ મોહિંદર અમરનાથ પોતાના પેન્ટના ખિસ્સામાં હંમેશાં લાલ રૂમાલ રાખતા તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને સુપર્બ બેટ્સમેન સ્ટીવ વો પણ શુકનના સંકેત રૂપે પેન્ટના ડાબા ખિસ્સામાં લાલ રૂમાલ રાખતા. જોવા જેવી વાત એ છે કે 24 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા મોહિંદરની કુંડળીમાં ચંદ્ર-બુધની પ્રતિયુતિ છે. આ યોગ અંધશ્રદ્ધા માટે પુરતો છે. તો બીજી તરફ સ્ટીવ વોની કુંડળીમાં પણ શનિ-ચંદ્રનું જોડાણ તેમની શુકન અપશુકનની માન્યતાને સમર્થન આપે છે.

પ્રિન્સ ઓફ વેલ્સ સાતમા રાજકુમાર એડવર્ડ જ્યારે રાજ રોગમાં સપડાયેલા ત્યારે પોતાના પ્રિય જ્યોતિષી કીરોને કાયમ તેઓ લઘરવઘર કપડામાં જ બોલાવવાનો આગ્રહ રાખતા… અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ બંનેની થોડીક મુલાકાતો બાદ પ્રિન્સ તંદુરસ્ત પણ થઇ ગયેલા. પ્રિન્સ ઓફ વેલ્સની કુંડળીમાં ચંદ્ર રાહુ સાથે અને કીરોની કુંડળીમાં ચંદ્ર શનિ સાથે બિરાજમાન હતો. ફિલ્મ સિતારાઓ હોય કે રમતવીરો હોય તેમના આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક શુકન-અપશુકન, શ્રદ્ધા-અંધશ્રદ્ધા શબ્દો બહુ જ મોટો રોલ કરે છે અને મિસ બિલીફની સીલી કલ્પનાઓ પાછળ જ્યોતિષશાસ્ત્રના ગ્રહો અગમ્ય ખેલ હોય જ છે. જન્મકુંડળીમાં સૂર્ય આત્મવિશ્વાસ જગાવવાનું કાર્ય કરે છે તો ચંદ્ર મનોબળ વધારવાની જવાબદારી અદા કરે છે. પરંતુ આ બંને ગ્રહો સાથે જ્યારે શનિ રાહુ અગર કેતુ કે પ્લુટો જોડાય ત્યારે આત્મામાં અંધશ્રદ્ધા નામનો પ્રેતાત્મા અને મનમાં અપશુકનની ડાકણ પોતાનું રહેઠાણ બનાવે છે.

શુકન-અપશુકન, શ્રદ્ધા-અંધશ્રદ્ધા માટે

જન્મકુંડળીમાં બુધ (બુદ્ધિ), ચંદ્ર (મન), શનિ (વિષ), પ્લુટો (યમ) સૂર્ય (આત્મા) રાહુ (ગૂઢતા) વ. ગ્રહોા સંબંધો કે યુતિ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. જ્યોતિષશાસ્ત્ર ખરેખર તો રહેમનું શાસ્ત્ર છે પણ જ્યારે વહેમનું શાસ્ત્ર બની જાય ત્યારે અપશુકન અને અંધશ્રદ્ધા તેનો ડેરો જમાવે છે. આખરે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હોય કે શુકન કે અપશુકન હોય આ માનવીના જીવનના Placebo છે કે જે મનને અને તનને કોઇ પણ દવા વિના સજા કરી સફળતા તરફ દોરી જાય છે.

ધી એસ્ટ્રો સ્માઈલ
– ડો.પંકજ નાગર – ડો.રોહન નાગર

LEAVE A REPLY

eight + 5 =