Rajkot, Nov 26 (ANI: People enjoy at a road covered in hailstones following hailstorm, in Rajkot on Sunday. (ANI Photo)

ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 20 લોકોનાં મોત નીપજ્યા હતા, તો માવઠાથી પાકને નુકસાન થયું હતું. રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં ભારે કરા પડ્યાં હતા અને રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેનાથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કુદરતી આફત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત કામગીરી કરી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, રાજ્યના 251 તાલુકામાંથી 220 તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યાથી 10 કલાકમાં 50 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને પાકને ભારે નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરા પડયા હતા.

રાજકોટમાં વહેલી સવારથી ઠંઠા પવનો સાથે બરફવર્ષા થઈ હતી. લોકો બરફથી છવાયેલા માર્ગો ઉપર મોજમસ્તી કરતા જોવા મળ્યાં હતા.

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હવામાનમાં ફેરફારની અસર જોવા મળી હતી. રાજ્યભરના અન્ય જિલ્લાઓમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો.

તોફાની પવન, વીજળી અને ગાજવીજ સાથે, કમોસમી વરસાદને કારણે મહેસાણા, દાહોદ, સાબરકાંઠા, તાપી, બોટાદ, અમરેલી અને અમદાવાદ જિલ્લામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજકોટ શહેરના પંચનાથ પ્લોટ, બહુમાળી ચોક, કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ અને ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. પડઘરીમાં ન્યારા ગામમાં કરા પડતા પાકને નુકસાન અંગે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો હતો. રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. માવઠા સાથે ફુંકાયેલા તોફાની પવનના કારણે રાજકોટમાં થોડા વર્ષો અગાઉ બંધાયેલ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ એલિવેશનના પતરા ઉડી ગયા હતા અને મીડિયા બોકસને પણ નુક્સાન થયું હતું.

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાદળોના કારણે વિઝિબિલિટી નબળી બની હતી અને વાહનચાલકોનેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરત મ્યુનિસિપલ ફાયર ડીપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે, વીજળીના ચમકારા અને વાદળોની ગર્જના સાથે વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાના અને ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના બનાવો બન્યા હતા. સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના મણિનગર, એસજી હાઈવે, થલતેજ, પકવાન ચાર રસ્તા, જુહાપુરા, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. કમોસમી વરસાદના કારણે જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉઁ, ધાણાં અને લીલા શાકભાજી સહિતના અન્ય પાકોને નુકશાન થયુ છે. શિયાળુ સિઝનમાં હાલ માંડ ૬૦ ટકા વાવેતર થયુ છે. આ સિઝનમાં ધાણાં, જીરૂ. વરિયાળી, ઘઉં, રાયડો ઉપરાંત લીલા શાકભાજીની વધુ વાવણી થાય છે. ખેડૂતોનું કહેવું છે કે, હજુ તો વરિયાળી અને જીરાના પાકને માંડ બીજી વખત પાણી અપાયુ છે ત્યાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ છે.

LEAVE A REPLY

two × two =