નવી દિલ્હીમાં સરકાર સાથે મંત્રણા દરમિયાન ખેડૂતો અને તેમના સમર્થકોએ વિજ્ઞાન ભવનની બહાર લંગરની વ્યવસ્થા કરી હતી. (PTI Photo)

કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સોમવારે થયેલી સાતમા તબક્કાની મંત્રણા નિષ્ફળ રહી હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં લગભગ 4 કલાક ચાલેલી આ બેઠકમાં કૃષિ કાયદાને નાબૂદ કરવાના મુદ્દે મડાગાંઠનો ઉકેલ આવ્યો ન હતો. જોકે આઠ જાન્યુઆરીએ બંને પક્ષો વચ્ચે ફરી મંત્રણા યોજાશે.

સરકાર સાથેની બેઠક પછી ખેડૂતો નેતાઓ જણાવ્યું હતું કે અમે કેન્દ્રની સમક્ષ કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી ચાલુ રાખી હતી. કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી ઘર વાપસી પણ નહીં થાય.

આ મંત્રણામાં કૃષિ પેદાશોના ટેકાના ભાવ અથવા MSPને કાયદાકીય સ્વરૂપ આપવાના મુદ્દે પણ ખેડૂતો અને કેન્દ્રમાં સંમતી સાધી શકાઈ ન હતી. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે 8 જાન્યુઆરીએ સરકારની સાથે ફરી બેઠક થશે ત્યારે પણ અમારો મુદ્દો MSP અને કાયદાને પરત ખેંચવાનો જ રહેશે.

બેઠક દરમિયાન સરકારે ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ ખેડૂતોએ સરકારનું ખાવાનું ખાવાનો ઈનકાર કરી દીધો હતો. તેઓએ પોતાના લંગરમાંથી આવેલું જમવાનું જ જમ્યા હતા. ખેડૂતોની બેઠક દરમિયાન લગભગ 200 લોકોનું ખાવાનું લંગરથી વિજ્ઞાન ભવન પહોંચાડવામાં આવ્યું હતું. છેલ્લી મીટિંગમાં પણ ખેડૂતોએ લંગરનું જ ખાવાનું ખાધું હતું.

આ બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને રાજ્યકક્ષાના વેપાર પ્રધાન સોમ પ્રકાર હાજર રહ્યાં હતા. અગાઉ 30 ડિસેમ્બરે સરકાર અને 40 કૃષિ યુનિયન વચ્ચે છઠ્ઠા રાઉન્ડની મંત્રણા થઈ હતી. તેમાં બે મુદ્દે સંમતી સધાઈ હતી.