(ANI Photo)

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ તથા શાહરૂખ ખાન, કંગના રનૌત, રજનીકાંત અને અક્ષય કુમાર સહિતની ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. કરણ જોહર અને અજય દેવગણ સહિતની સેલિબ્રિટીએ મોદીને શુભેચ્છાઓ આપી હતી. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા અનિલ કપૂર, અનુપમ ખેર, રવિના ટંડન, વિક્રાંત મેસી, ગાયિકા અનુરાધા પૌડવાલ, દિગ્દર્શક રાજકુમાર હિરાણી અને નિર્માતા મહાવીર જૈન પણ હતા.

શાહરૂખ તેના મેનેજર પૂજા દદલાની સાથે હતો, ત્યારે રજનીકાંતે નિર્માતા-પત્ની લતા રજનીકાંત સાથે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ફંક્શન માટે ચેન્નાઈથી આવેલા રજનીકાંતે પત્રકારોને કહ્યું હતું કે આ એક “ઐતિહાસિક ઘટના” છે. હું પીએમ મોદીજીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપું છું. અભિનેતા અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ તેમની પત્ની અન્ના લેઝનેવા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ભોજપુરી સિનેમા સ્ટાર-ગાયક અને ઉત્તર પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર મનોજ તિવારી આ કાર્યક્રમનો ભાગ હતા. કેરળના અભિનેતામાંથી ભાજપના સાંસદ બનેલા સુરેશ ગોપીએ કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. ભૂતપૂર્વ અભિનેતા અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતાં. અભિનેતા અને ગોરખપુરથી ભાજપના સાંસદ-ચૂંટાયેલા રવિ કિશન પણ જોવા મળ્યા હતાં.

LEAVE A REPLY