બોલીવૂડમાં અનેક ફિલ્મોની સીક્વલને દર્શકોએ આવકારી છે. આવી જ એક સીક્વલ મસ્તી-છે, જેમાં એડલ્ટ કોમેડી છે. 2004માં શરૂ થયેલી આ સીક્વલ હવે 2025માં નવી ‘મસ્તી 4’ રીલીઝ થઇ છે. અગાઉ ત્રણ મસ્તી ફિલ્મો રિલીઝ થઇ હતી.
મસ્તી 4 ફિલ્મમાં કેટલાક નવા ચહેરા છે. મહિલા મુખ્ય કલાકારોની સાથે પુરુષ કલાકારોમાં નવા ચહેરાઓ પણ જોવા મળે છે. રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાણી ઉપરાંત, અરશદ વારસી અને તુષાર કપૂર જેવા કલાકારોએ પણ સીક્વલમાં પ્રવેશ કર્યો છે. તેમના આગમનથી ફિલ્મમાં દર્શકોને કંઇક નવું જોવા મળે છે.
આ ફિલ્મની કહાની અમર, પ્રેમ અને મીતની આસપાસ ફરે છે. જેમાં અમરની પત્ની બિંદિયા ચેરિટીમાં, પ્રેમની પત્ની તહેવારોમાં અને મીતની પત્ની તેના પર શંકા કરતી રહે છે. ત્યારે આ ત્રણેયના જીવનમાં તેમનો એક મિત્ર આવે છે, જે તેમની સમક્ષ ‘લવ વિઝા’નો નવો મુદ્દો રજૂ કરે છે. તુષાર કપૂર આ ફિલ્મમાં રશિયન ભોજપુરી ડોનની ભૂમિકામાં છે. હવે આ ‘લવ વિઝા’ શું છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. થોડા સમય અગાઉ રીલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મ “એક દીવાને કી દીવાનીયાત”ના જાણીતા દિગ્દર્શક મિલાપ ઝવેરીએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે, અને નિર્માતા પણ ઇન્દ્રકુમાર જ છે.
21 વર્ષ પહેલા ઇન્દ્રકુમાર દ્વારા દિગ્દર્શિત, ‘મસ્તી’ 9 એપ્રિલ, 2004ના રોજ રિલીઝ થઈ હતી, જે ખૂબ જ હિટ રહી હતી. તેમાં અજય દેવગણ પણ મુખ્ય ભૂમિકામાં હતા. તેમણે ઇન્સ્પેક્ટર સિકંદરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક ઓબેરોય ઉપરાંત અમૃતા રાવ, તારા શર્મા, જેનેલિયા ડિસોઝા, લારા દત્તા, સતીશ શાહ, અર્ચના પૂરણ સિંહ, રાખી સાવંત, સુરેશ મેનન, મુરલી શર્મા અને શાહબાઝ ખાન પણ હતા. અંદાજે $1.2 બિલિયનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં $2.5 બિલિયનથી વધુનો બિઝનેસ કર્યો હતો.
ત્યાર પછી 2013માં ‘ગ્રાન્ડ મસ્તી’ ફિલ્મ રિલીઝ થઈ હતી, તેનું દિગ્દર્શન પણ ઇન્દ્રકુમારે કર્યું હતું. રૂ. 35 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ.145 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેમાં રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક ઓબેરોય, તેમજ કરિશ્મા તન્ના અને મરિયમ ઝકારિયા જેવા કલાકારો હતા.
પછી 2016માં ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેનું નિર્માણ અંદાજે $1.5 બિલિયનમાં થયું હતું. જોકે, તે ફ્લોપ ગઈ હતી. કલાકારો એ જ હતા, પરંતુ તેમાં કહાનીને હોરર-કોમેડી ટ્વિસ્ટ સાથે મસાલેદાર બનાવવામાં આવી હતી. તેમાં ઉર્વશી રૌતેલાને પણ તક આપવામાં આવી હતી, જે રાગિણીની ભૂમિકામાં હતી.













