હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કોમેડી સીક્વલ ‘હાઉસફુલ’નો પાંચમો ભાગ ‘હાઉસફુલ 5’ તાજેતરમાં રિલીઝ થઈ ગયો છે. આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, જેકલીન ફર્નાન્ડિઝ, રિતેશ દેશમુખ, સોનમ બાજવા, અભિષેક બચ્ચન, નરગિસ ફખરી, નાના પાટેકર, સંજય દત્ત, ફરદીન ખાન, શ્રેયસ તળપદે, જેકી શ્રોફ, ડિનો મોરીયા, ચિત્રાંગદા સિંઘ, સૌંદર્યા શર્મા, ચંકી પાંડે અને જ્હોની લીવર છે, સાથે બોબી દેઓલનો એક કેમિયો પણ છે.
19 કલાકારોનો મહાજમાવડો ધરાવતી આ કોમિક એન્ટરટેઈનર ફિલ્મનું દિગ્દર્શન તરુણ મનસુખાણ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે તેના બે ક્લાઈમેક્સ છે.
ફિલ્મના શરૂઆતના રીવ્યૂમાં અક્ષયકુમારની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સૌથી અઘરું કામ લોકોને હસાવવાનું છે અને એ પણ ફક્ત સંવાદથી નહીં પરંતુ બોડી લેંગ્વેજથી પણ. જેને સ્લેપસ્ટિક કોમેડી કહેવાય છે. ઘણી ઓછી એવી ફિલ્મો હોય છે જે સંતોષકારક મનોરંજન રજૂ કરી શકે છે. પણ જો વાત કરીએ હાઉસફુલ સીક્વલની તો એ પ્રથમ એવી સીક્વલ છે જે સ્લેપસ્ટિક કોમેડી જોનરમાં 5મા ભાગમાં પહોંચી છે. આ તેની સફળતાની સૌથી મોટી સાબિતી છે!
આ ફિલ્મની કહાની સામાન્ય જ છે કે ખૂબ જ અમીર, ધનવાન પિતા એટલે કે રણજીત એ પોતાની તમામ સંપત્તિ પોતાના પુત્ર ‘જોલી’ ને વારસામાં આપે છે. પરંતુ આ વાર્તામાં એક નહીં પણ 3-3 જોલી છે. જલાબુદ્દીન (રિતેશ દેશમુખ), જલભૂષણ (અભિષેક બચ્ચન) અને જુલિયસ (અક્ષયકુમાર). હવે આ બધા એક જગ્યાએ એકત્ર થાય છે જે ફિલ્મનું હાર્દ છે. હવે અસલી જોલી કોણ છે તેની તપાસ થાય તે પહેલા એક હત્યા થાય છે. અને આ હત્યાના કેસનું નિવારણ લાવવા અને અસલી જોલીને શોધવાની કવાયત શરૂ થાય છે. આ ફિલ્મને નિહાળવા માટે 2 ક્લાઇમેક્સ હોવાથી હાઉસફુલ A અને હાઉસફુલ Bમાં એકની પસંદગી કરવાની રહેશે.
હવે આ બંને ક્લાઇમેક્સમાં ખુની અલગ અલગ હશે. જો તમે વર્ઝન એ જોશો તો કોઈ એક ખુની હશે અને વર્ઝન બી જોશો તો કોઈ અલગ ખુની હશે. અગાઉ અક્ષયકુમાર અને રિતેશ દેશમુખે પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, બંને વર્ઝનમં છેલ્લી 15-20 મિનિટ જ અલગ છે. તેનો અર્થ એવો છે કે બે અલગ ક્લાઇમેક્સ શૂટ થયા છે. બંને વર્ઝનને સેન્સર બોર્ડે યૂએ સર્ટિફિકેટ આપ્યું હતું. બંને ફિલ્મ 2 કલાક અને 45 મિનિટની છે. એક જ થીયેટરમાં અલગ-અલગ શો દરમિયાન અથવા આસપાસની સ્ક્રિનમાં ઓડિયન્સને નવો જ ક્લાઈમેક્સ જોવા મળે તેવી પણ શક્યતા છે. બોલીવૂડમાં પ્રથમવાર થયેલો આવો અખતરો જાણવા માટે અને ખૂની કોણ છે તેમ જ સાચો જોલી કોણ છે એ શોધવા માટે આ ફિલ્મ જોવી રહી.
હકીકતમાં આ ફ્રેન્ચાઇઝીના ‘માસ્ટર’ સાજિદ ખાન ‘હાઉસફુલ 5’નું દિગ્દર્શન કરવાના હતા, પરંતુ તેના સ્થાને તરુણને જવાબદારી સોંપાઇ હતી. તરુણ મનસુખાણીએ ફરહાદ સામજી સાથે મળીને ફિલ્મની કહાની લખી છે. તેમના વન લાઇનર અને મજેદાર સંવાદ ફિલ્મને જીવંત બનાવે છે.

LEAVE A REPLY