(ANI Photo)

મોટા બજેટ સાથે ફિલ્મો બનાવવાના બદલે મજબૂત સ્ટોરી, અભિનય, ગીત-સંગીત ધરાવતી ફિલ્મો બનવી જોઇએ તેવું નવાઝુદ્દિન સિદ્દીકી માને છે. તે બોલિવૂડમાં નિર્માણ થઇ રહેલી મોટા બજેટની ફિલ્મોથી ભારે નારાજ હોય તેવું જણાય છે. તેણે આવી ફિલ્મોની ભારે ટીકા કરી હતી અને કહ્યું હતું કે મોટા બજેટની ફિલ્મો જ બોલીવૂડને બદનામ કરી રહી છે. બોલિવૂડમાં આપણે અત્યાર સુધી લાલસિંઘ ચઢ્ઢા, રનવે-34, શમશેરા, રામસેતુ અને લાયગર જેવી મોટી ફિલ્મો જોઇ છે, આ એવી ફિલ્મો હતી જે બોક્સ ઓફિસ ઉપર તદ્દન નિષ્ફળ ગઇ હતી, જ્યારે બીજીબાજુ ધ કાશ્મીર ફાઇલ્સ, ધ કેરાલા સ્ટોરી અને કાંતારા જેવી ફિલ્મોએ આપણને મોટા આશ્ચર્ય આપ્યા હતા અને લોકોએ તે ફિલ્મોને દિલથી સ્વીકારી લીધી હતી.

જોગીરા સરારા..સરારા ફિલ્મમાં નેહા શર્માની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે. એક મીડિયા મુલાકાતમાં નવાઝુદ્દીનને તેને સહાયક અભિનેતા તરીકેની ફિલ્મોની પસંદગી કરવા અંગે પૂછ્યું હતું તેનાં જવાબમાં નવાઝુદ્દીને કહ્યું હતું કે, “હિન્દુસ્તાનમેં ગ્રેટ ફિલ્મ કોનસી હોતી હૈ?” પોતાની વાતચીત આગળ ચલાવતા તેણે કહ્યું હતું કે અલબત્ત તેની પસંદગી કદાચ ગ્રેટ ન હોઇ શકે પરંતુ મોટી મોટી કહેવાતી ફિલ્મો ક્યાં ચાલે છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું નામ સૌથી વધુ ખરાબ તો આ મોટી ફિલ્મોએ જ કરી નાંખ્યું છે. ક્યારેક તો એવો ભય લાગે છે કે આખી ઇન્ડસ્ટ્રીઝ જ બંધ થઇ જશે. મોટા મોટા સ્ટારને લઇને બનાવવામાં વતી બીગ બજેટની ફિલ્મો ફ્લોપ ગઇ છે.

મોટા બજેટવાળી ફિલ્મો બનાવવાના બદલે અર્થપૂર્ણ ફિલ્મો બનવી જોઇ એવો અભિપ્રાય વ્યક્ત કરતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે, બોલિવૂડે ફિલ્મોની અનેક બાબતો પર વધુ ધ્યાન આપવું જોઇએ. એક ફિલ્મ તો મોટી પણ હોય શકે અને નાની પણ હોય શકે, પરંતુ તે અર્થપૂર્ણ હોવી જોઇએ. એવું ના હોવુ જોઇએ કે મોટુ બજેટ ધરાવતી ફિલ્મ છે તો તેમાં અભિનય કરી લેવો જોઇએ, અરે તે ફિલ્મમાં કંઇક તો અર્થપૂર્ણ હોવું જોઇએ. દૃષ્ટાંત તરીકે બજરંગી ભાઇજાન એક મોટી ફિલ્મ હતી, પરંતુ તેમાં કંઇક મજબૂત સંદેશ હતો, તેથી તે ફિલ્મને તદ્દન યોગ્ય ફિલ્મ કહી શકાય.

LEAVE A REPLY

three + fourteen =