(ANI Photo)

પહેલગામ આતંકી હુમલા પછી તંગદિલીમાં વધારા વચ્ચે ભારત અને પાકિસ્તાની લશ્કરી દળોએ જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પર રાત્રે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનની આર્મીએ ફાયરિંગ ચાલુ કર્યું હતું અને ભારતે તેનો જ અસરકાર જવાબ આપ્યો હતો. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)એ બંને દેશોને સંપૂર્ણ સંયમ રાખવાની અપીલ કરી હતી.

ભારતીય સેનાએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાની આર્મીએ મર્યાદિત ફાયરિંગ કર્યું હતું અને તેનો મજબૂત જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના સરકારી અધિકારી સૈયદ અશફાક ગિલાનીએ શુક્રવારે જણાવ્યું હતું કે બંને દેશોના સૈનિકોએ અંકુશ રેખા પર ગોળીબાર કર્યો હતો. લીપા ખીણમાં રાત્રે બંને દેશોના સૈનિકોએ એકબીજાની ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. નાગરિક વસ્તી પર કોઈ ગોળીબાર થયો નથી. જનજીવન સામાન્ય છે. શાળાઓ ખુલ્લી છે.

ભારતના ત્રણ લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ નાના હથિયારોથી ભારતીય ચોકી પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે પાકિસ્તાન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.

બીજી તરફ પહેલગામ હુમલાના ત્રણ શંકમંદોને ઝડપી લેવા માટે ઇન્ડિયન આર્મીએ મોટું સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન ચાલુ કર્યું હતું તથા કાશ્મીર ખીણમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. કાશ્મીરના સત્તાવાળાએ બે શંકમંદ ત્રાસવાદીઓનો મકાનોને પણ વિસ્ફોટકોથી ઉડાવી દીધા હતાં.

બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી હતી. યુએન પ્રવક્તા સ્ટેફન ડુજારિકે ગુરુવારે ન્યૂયોર્કમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે બંને સરકારોને અપીલ કરીએ છીએ કે તેઓ સંપૂર્ણ સંયમ રાખે અને સ્થિતિ વધુ ન વણસી તે સુનિશ્ચિત કરે. અમારું માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના કોઈપણ મુદ્દાનો અર્થપૂર્ણ મંત્રણા દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે અને ઉકેલવા જોઈએ.

આર્મી ચીફ ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ કાશ્મીરની મુલાકાત લીધી હતી. ભારતે ગુરુવારે મોટા પાયે હવાઈ અને નૌકાદળ કવાયત શરૂ કરી હતી. ભારતની આ હિલચાલને ઘણા વિશ્લેષકો લશ્કરી કાર્યવાહીનો સંકેત ગણે છે. રાફેલ જેટ અને સ્ટ્રાઇક સ્ક્વોડ્રન સાથેની ભારતીય એરફોર્સની ગગનશક્તિ કવાયત અને નેવી દ્વારા મિસાઇલ પરીક્ષણો નવા જૂનીના સંકેત આપે છે.

 

LEAVE A REPLY