Represents image, Social media

ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રણ કવાર્ટર(એપ્રિલથી ડિસેમ્બર)માં 18 સરકારી બેંકોમાં છેતરપિંડીના 8926 કેસો નોંધાયા હતાં. જેમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી તેમ આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે.

આરટીઆઇ હેઠળ મળેલી માહિતી અનુસાર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)માં સૌથી વધુ છેતરપિંડીના કેસો નોંધાયા છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતાં 9 મહિનાના સમયમાં એસબીઆઇમાં છેતરપિંડીના 4769 કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 30,300 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી. જે 18 સરકારી બેંકોમાં થયેલી કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના 26 ટકા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડીના 294 કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 14,928.62 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન બેંક ઓફ બરોડામાં છેતરપિંડીના 250 કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 11,166 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

અલ્લાહાબાદ બેંકમાં 860 કેસોમાં 6781 કરોડ રૂપિયા, બેંક ઓફ ઇન્ડિયામાં 161 કેસોમાં 6626 કરોડ રૂપિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 292 કેસોમાં 5604 કરોડ રૂપિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 151 કેસોમાં 5556 કરોડ રૂપિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં 282 કેસોમાં 4899 કરોડ રૂપિયા છેતરપિંડી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક, સિંડીકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ 1867 કેસોમાં કુલ 31,600 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.