(Photo by ARIF ALI/AFP via Getty Images)

મહંમદ પયગંબર અંગે ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીની વિરુદ્ધમાં ભારતના 10થી વધુ રાજ્યોમાં મુસ્લિમોએ શુક્રવારે (10 જૂન)એ જુમ્માની નમાજ પછી ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીથી માંડીને ગુજરાત સુધી મુસ્લિમોના ટોળાએ સૂત્રોચ્ચાર, પથ્થરબાજી, ગોળીબાર સાથે ઉગ્ર દેખાવો કરતા અજંપાભરી સ્થિતિ ઊભી થઈ હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં નમાજ પછી હિન્દુ મંદિર પર પથ્થરમારો કરાતાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા તથા અન્ય સાત ઘાયલ થયા હતા. આ હિંસાને પગલે ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આશરે 400 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં આરોપીઓની મિલકતો પર બે દિવસ બુલડોઝર ફેરવાયા હતા. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, કુવૈત જેવા દેશોમાં પણ મુસ્લિમોએ ભાજપના નેતાઓની ટીપ્પણીની વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા.

ભારત ઉપરાંત વિદેશોમાં, ખાસ કરીને મુસ્લિમ દેશોમાં પણ આવા વાંધાજનક ઉચ્ચારણો સામે વ્યાપક રોષ ફાટી નિકળ્યો હતો અને કેટલાય દેશોએ સરકારી સ્તરે ભારત સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલાક દેશોએ તો ભારત સરકારે માફી માંગવી જોઈએ એવું પણ કહ્યું હતું. ભારત માટે રાજદ્વારી અને વેપારી સંબંધોની દ્રષ્ટિએ મહત્ત્વના એવા અનેક મુસ્લિમ દેશોની સરકારોએ વિરોધ દર્શાવ્યો હતો. એમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, કતાર, ઓમાન, બેહરિન, ઈરાન, કુવૈત, ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના લાહોરમાં તો રવિવારે (12 જુન) પણ ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવકત્તા નુપૂર શર્માની તસવીર સાથે તેના ઉચ્ચારણો મુદ્દે ઉગ્ર દેખાવો કરાયા હતા અને તેમાં દેખાવકારોએ નુપૂર શર્માની નનામી પણ બાળી હતી.