નવસારીમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (10 જૂન)એ અમદાવાદના બોપલ ખાતે ઇન્ડિયન સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ના હેડક્વાર્ટરનું ઉદઘાટન કર્યું હતું. ઇન-સ્પેક્સને જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. આ સેન્ટર સ્પેસ એક્ટિવિટીને મંજૂરી આપવાની તથા અવકાશ વિભાગની સુવિધાઓના ખાનગી કંપનીઓ દ્વારા ઉપયોગને મંજૂરી આપવાની એક નોડલ એજન્સી તરીકે કામ કરશે તેનો હેતુ સ્પેસ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારો કરવાનો છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઇન સ્પેસને કારણે અમદાવાદ ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. અત્યાર સુધી 13 કંપનીએ ઈસરો સાથે સમજૂતીપત્ર (એમઓયુ) કર્યા છે. ખાનગી કંપનીઓ ઇન સ્પેસ મારફતે નાણાં ભરીને લેબોરેટરી, મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ, કિંમતી ફેબ્રિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એરો સ્પેસ માટેના સોફ્ટવેર, ડેટા, કન્સલ્ટન્સી, કેબિન- ઓફિસ અને ખાસ કરીને હાઇપફોર્મ્ન્સ સુપર કમ્પ્યૂટરનો પણ ઉપયોગ કરી શકશે.

ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ઈસરો અને ખાનગી કંપની વચ્ચે આ સેન્ટર સેતુરૂપ ભૂમિકા ભજવશે. ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત મોટી છલાંગ લગાવશે. નવી ડ્રોન નીતિ અને નવી આરોગ્ય નીતિ સરકારે બનાવી છે.