ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ભારતમાં હિન્દુ લગ્ન ધારા (HMA) હેઠળ થયેલા બે હિન્દુઓ વચ્ચેના લગ્નને વિદેશી ફેમિલી કાયદા હેઠળ રદ કરી શકાય નહીં. આવા દંપતી વિદેશમાં રહેતા હોય અથવા વિદેશી નાગરિકત્વ મેળવ્યું હોય તો પણ તેમના વૈવાહિક વિવાદનો ઉકેલ માત્ર હિન્દુ લગ્ન ધારા હેઠળ જ લાવી શકાય છે, વિદેશી ફેમિલી લો હેઠળ નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે HMAની જોગવાઈઓ હેઠળ થયેલા લગ્નને રદ કરવા માટે વિદેશી કાયદાની જોગવાઇઓ અસ્વીકાર્ય છે. સિડનીમાં ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ ઓસ્ટ્રેલિયા આપેલા છૂટાછેડાને રદબાતલ જાહેર કરવાની અરજી ફગાવી દેતા ફેમિલી કોર્ટના આદેશ સામે પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ફેમિલી કોર્ટે પત્નીની વૈવાહિક અધિકારો બહાલ કરવાની અરજીને પણ ફગાવી દીધી હતી.
આ દંપતીએ ૨૦૦૮માં અમદાવાદમાં લગ્ન કર્યા હતાં અને ઓસ્ટ્રેલિયા ગયા હતાં, જ્યાં પતિ કાયમી નિવાસી હતો. ૨૦૧૩માં તેમને એક બાળક થયું હતું. ૨૦૧૪માં મતભેદો થયા અને પતિ ભારત પાછો ફર્યો અને ત્યારબાદ ૨૦૧૫માં OCI કાર્ડ મેળવ્યું હતું. પત્ની ઓસ્ટ્રેલિયામાં જ રહી અને ૨૦૧૫માં નાગરિકતા મેળવી હતી. ૨૦૧૫માં પત્ની અને પુત્ર ભારત પાછા ફર્યા હતાં. ૨૦૧૬માં પતિએ સિડની ખાતે ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ ઓસ્ટ્રેલિયા સમક્ષ છૂટાછેડા માટે અરજી કરી હતીં અને કોર્ટે તેની મંજૂરી આપી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ લગ્ન માટે લગ્નના પક્ષકારોની નાગરિકતા બિલકુલ સુસંગત નથી. મહત્ત્વની બાબત ફક્ત તે હકીકત છે કે બંને પક્ષો હિન્દુ ધર્મનું પાલન કરે છે અને HMAના સંદર્ભમાં તેમના વૈવાહિક સંબંધને બાંધવા માટે સંમત થાય છે.
હાઇકોર્ટે વાય. નરસિંહ રાવ અને ઓઆરએસ વિરુદ્ધ વાય. વેંકટ લક્ષ્મી કેસમાં સુપ્રીમ કોર્ટના 1991ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે વૈવાહિક વિવાદો પર લાગુ પડતો એકમાત્ર કાયદો એ છે કે જેના હેઠળ પક્ષકારો લગ્ન કરે છે અને અન્ય કોઈ કાયદો નથી.
