ભારત વતી ગુજરાત સરકારના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને વિવિધ અધિકારીઓએ 29 ઓગસ્ટ, શુક્રવારે સત્તાવાર રીતે નેશનલ સ્પોર્ટ્સ ડેના રોજ અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઔપચારિક રીતે લંડનમાં કોમનવેલ્થ સ્પોર્ટને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ ઇવેન્ટ યોજવા માટે જરૂરી તમામ ગેરંટીઓનું વચન આપ્યું છે.
હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદનું સન્માન કરતા નેશનલ સ્પોર્ટ્સ ડે પ્રસંગે હર્ષ સંઘવીના નેતૃત્વમાં રજૂ કરાયેલો આ પ્રસ્તાવ ત્રણ સ્તંભો – સસ્ટેઇનીબીલીટી, સમાવેશીતા અને વારસા પર આધારિત છે અને અમદાવાદને રમતોના શતાબ્દી સંસ્કરણ માટે સ્થળ તરીકે સ્થાન આપે છે.
આ બીડ રજૂ કર્યા બાદ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં બોલતા, શ્રી સંઘવીએ અમદાવાદને “કોમ્પેક્ટ ગેમ્સ સિટી” તરીકે વર્ણવી જણાવ્યું હતું કે રમતગમતના સ્થળો, ટ્રાન્સપોર્ટ અને રહેઠાણો નજીકમાં આવેલા છે. જે રમતવીરો, અધિકારીઓ અને દર્શકો માટે કાર્યક્ષમતા, સુલભતા અને ઉન્નત અનુભવ સુનિશ્ચિત કરે છે. ભારતનું મોડેલ રીન્યુએબલ એનર્જી ઉકેલો, પર્યાવરણીય રીતે જવાબદાર કામગીરી અને પેરા-સ્પોર્ટ્સ કાર્યક્રમોને એકીકૃત કરશે તથા માનવ અધિકારોનું રક્ષણ કરીને સલામત અને સુલભ વાતાવરણ બનાવશે. ભારતના સાંસ્કૃતિક સિદ્ધાંતોને આહ્વાન કરતા, તેમણે ડાયસ્પોરાને વસુધૈવ કુટુમ્બકમ અને અતિથિ દેવો ભવના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ બિડને સમર્થન આપવા વિનંતી કરી હતી.’’
ભારતના યુકે સ્થિત હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કોમનવેલ્થ ગેમ્સને ભારતના અગ્રણી રમતગમત રાષ્ટ્ર તરીકે ઉભરવાની મહત્વાકાંક્ષાના કુદરતી વિસ્તરણ તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં વિશ્વ કક્ષાના રમતગમત માળખાના નિર્માણ માટે ખાનગી ક્ષેત્ર સહિત રોકાણોને પ્રાથમિકતા આપી રહી છે અને યુવા પ્રતિભાને ભવિષ્યના ચેમ્પિયન બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ગેમ્સ લાંબા સમયથી સ્થાયી સમાજો અને સમૃદ્ધ અર્થતંત્રોના નિર્માણને પ્રેરિત કરે છે. આજે, ભારત-યુકે ભાગીદારી પણ રમતગમત દ્વારા અમારા સહયોગના મુખ્ય તત્વ તરીકે આગળ વધી રહી છે.”
આ બીડને નવી દિલ્હીના કેન્દ્રીય મંત્રીમંડળ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)નું સંપૂર્ણ સમર્થન છે અને તેને ઓગસ્ટની શરૂઆતમાં ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી હતી.
અમદાવાદ પોતાની ઉમેદવારીને ટેકો આપવા માટે મુખ્ય માળખાગત સુવિધાઓ તૈયાર કરી રહ્યું છે, જેમાં 236 એકરના સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો સમાવેશ થાય છે, જે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઘર છે. સ્ટેડીયમ પરિસરમાં એથ્લેટિક્સ, એક્વેટિક્સ, ફૂટબોલ અને ઇન્ડોર રમતો માટે નવી સુવિધાઓનો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ વિલેજ, વિસ્તૃત એરપોર્ટ સુવિધાઓ, મેટ્રો લિંક્સ અને નવા હોસ્પિટાલીટી પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે.
અધિકારીઓ માને છે કે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ શહેર અને ભારત માટે એક શક્તિશાળી વારસો છોડી જશે, રમતગમતમાં પાયાના સ્તરની ભાગીદારીને વેગ આપશે અને અમદાવાદને વૈશ્વિક ઇવેન્ટ્સ હબ તરીકે સ્થાન આપશે. આ બીડને 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની ભારતની મહત્વાકાંક્ષા તરફના એક પગલા તરીકે પણ જોવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં કેનેડાએ આ સ્પર્ધામાંથી ખસી જવાથી, હવે સ્પર્ધા ભારત અને નાઇજીરીયા વચ્ચે છે. કોમનવેલ્થ સ્પોર્ટ અધિકારીઓનું મૂલ્યાંકન કમિશન સપ્ટેમ્બરમાં બંને બિડનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ નવેમ્બરમાં ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં નિર્ણય લેવામાં આવશે.
લંડનમાં કરાયેલું સબમિશન ભારતના રમતગમતના વિકાસમાં ભાગીદાર તરીકે યુકેના મહત્વને રેખાંકિત કરે છે. યુકેના ગુજરાતીઓ અને વ્યાપક ભારતીય સમુદાયો માટે કોમનવેલ્થ વાર્તામાં તેમની ભૂમિકા દર્શાવવાની તક છે. યુકેએ છેલ્લે 2022માં બર્મિંગહામમાં ગેમ્સનું આયોજન કર્યું હતું.
ભારતીય હાઈ કમિશન, લંડન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુકેના ગેમ્સના નેતાઓ અને ડાયસ્પોરા અગ્રણીઓએ પણ હાજરી આપી.
