
અમેરિકાના મિનેસોટા રાજ્યમાં શનિવાર, 14 જૂને અજ્ઞાત હુમલાખોરોએ ઘરમાં ધુસીને પ્રતિનિધિગૃહના ભૂતપૂર્વ સ્પીકર મેલિસા હોર્ટમેન અને તેમના પતિની હત્યા કરી હતી. વહેલી સવારે થયેલા એક બીજા હુમલામાં એક સેનેટેર અને તેમના પત્ની પણ ઘાયલ થયાં હતાં. મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે તેને રાજકીય પ્રેરિત હુમલો ગણાવ્યો હતો.
57 વર્ષીય વાન્સ લ્યુથર બોએલ્ટર તરીકે ઓળખાયેલા શંકાસ્પદની મિનેસોટા પોલીસ અને એફબીઆઇ શોધખોળ ચાલુ કરી હતી. શંકાસ્પદ વ્યક્તિના ઇવેન્જેલિકલ મંત્રાલયો સાથે સંબંધો હતા અને તેણે ગાઝા પટ્ટી અને આફ્રિકામાં અનુભવ ધરાવતો સુરક્ષા નિષ્ણાત હોવાનો દાવો કર્યો હતો.
ચેમ્પલિનના મેયર રાયન સબાસે જણાવ્યું હતું કે રાજ્યના સેનેટર જોન હોફમેન અને રાજ્ય પ્રતિનિધિ મેલિસા હોર્ટમેનને ગોળી વાગી હતી. હોફમેનની પત્નીને પણ ગોળી વાગી હતી.
તપાસકર્તાઓ માને છે કે શંકાસ્પદ હુમલાખોર પોલીસ અધિકારીના સ્વાંગમાં હતાં અને ઘરમાં ધુસી ગયા હતાં. તપાસકર્તાઓ હજુ હુમલાઓનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તપાસ પ્રારંભિક તબક્કામાં છે. ગવર્નર ટિમ વોલ્ઝે જણાવ્યું હતું કે આ હુમલો ટાર્ગેટેડ હતો.
ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય જોન હોફમેન 2021માં પ્રથમ વખત ચૂંટાયા હતા. તેઓ કન્સલ્ટન્સી કંપની હોફમેન સ્ટ્રેટેજિક એડવાઇઝર્સ પણ ચલાવે છે. તેમણે અગાઉ અનોકા હેન્નેપિન સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી હતી, જે મિનેસોટાના સૌથી મોટા સ્કૂલ ડિસ્ટ્રિક્ટનું સંચાલન કરે છે.હોફમેન પરિણીત છે અને તેમની એક પુત્રી છે.
બીજી તરફ મેલિસા હોર્ટમેન રાજ્ય વિધાનસભામાં ટોચના હાઉસ ડેમોક્રેટિક નેતા અને ભૂતપૂર્વ હાઉસ સ્પીકર છે. તેઓ પહેલી વાર 2004માં ચૂંટાઈ આવ્યાં હતા. વકીલ હોર્ટમેન પરિણીત છે અને તેમને બે બાળકો છે.હોફમેન અને હોર્ટમેન બંને મિનિયાપોલિસની ઉત્તરે આવેલા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી રાજકીય વૈમન્સ્યમાં વધારા વચ્ચે દેશભરમાં રાજકીય નેતાઓ પર હુમલા થઈ રહ્યાં છે.
આ હુમલાઓ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રેસિડન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે મને મિનેસોટામાં થયેલા ભયાનક શુટિંગની માહિતી આપવામાં આવી છે, જે રાજ્યના ધારાસભ્યો પર ટાર્ગેટેડ હુમલો હોય તેવું લાગે છે. અમેરિકામાં આવી ભયાનક હિંસા સહન કરવામાં આવશે નહીં.
