એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર તૂટી પડીને આગના ગોળામાં લપેટાઇ જતાં એક સિવાયના તમામ પ્રવાસીઓ, ક્રૂના મૃત્યુ થયાં હતાં. સવા લાખ લિટર હવાઇ ઇંધણ સાથે ઉપડેલું બોઇંગ ડ્રીમલાઇનર (AI 171) પ્લેન એરપોર્ટ નજીક જ આવેલા મેઘાણીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બી.જે. મેડિકલ કોલેજ ડોક્ટર્સ-નર્સિંગ હોસ્ટેલની પાણીની ટાંકીને ટકરાઇને ખુલ્લા મેદાનમાં આગના ગોળાની જેમ તૂટી પડ્યું હતું, જેના પગલે પ્રવાસીઓ ઉપરાંત હોસ્ટેલ, મેસ અને સ્ટાફ ક્વાટર્સમાં રહેતા સંખ્યાબંધ રેસિડેન્ટ ડોક્ટર્સ અને સ્થાનિક લોકો પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર મેઘાણીનગર સહિતના આસપાસના વિસ્તારમાં પ્રચંડ વિસ્ફોટ સંભળાયો હતો અને આગના ગોટેગોટા આસપાસના દસ કિ.મી. કરતાં પણ દૂર સુધી આકાશમાં દેખાતા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે તાબડતોબ નવી દિલ્હીથી અમદાવાદ દોડી આવીને ઘટનાસ્થળ તથા ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી અને જાહેર કર્યું હતું કે, આ કિસ્સામાં એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા ઝીણવટભરી તપાસ કરાશે.
આ કરુણ ઘટનામાં 278 જેટલાં લોકોએ જાન ગુમાવ્યાની ધારણા છે. લેસ્ટરના વિશ્વાસ રમેશ નામના એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો છે. આ ભયાનક હોનારતમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ મૃત્યુ પામ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ સહિતના આગેવાનોએ ઘટના અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી અસરગ્રસ્તોના પરિવારજનો પ્રતિ સાંત્વના પ્રગટ કરી હતી.
બપોરે ૧.૩૮ વાગે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે બે પાયલટ, ૧૦ કેબિન ક્રૂ અને ૨૩૦ પ્રવાસી સાથે ૧૧ વર્ષ જૂનું બોઈંગ ડ્રીમલાઇનર પ્લેન ટેક ઓફ થયું અને રન વેથી 600-800 ફૂટ જેટલું જ ઉપર પહોંચ્યા પછી એરપોર્ટની દીવાલ વટાવી સીધુ સિવિલ હોસ્પિટલ કેમ્પસના પાછળના ભાગમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની બોય્ઝ હોસ્ટેલની પાણીની ટાંકીને ટકરાયું હતું.
આ ટક્કર સાથે જ પ્લેનના ત્રણ ટુકડા થઇ ગયા હતા અને તે આગના પ્રચંડ ગોળામાં લપેટાઇ ગયું હતું. પ્લેનમાં પ્રવાસીઓમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગલ તેમજ એક કેનેડિયન નાગરિક લંડન જઇ રહ્યા હતા. ટ્વીન એન્જિન ધરાવતા પ્લેનના પાયલોટે બપોરે ૧.૩૯ વાગે એરટ્રાફિક કન્ટ્રોલને ‘મેડે’ કોલ થકી ગંભીર સ્થિતિનો મેસેજ આપ્યો હતો અને ઇમરજન્સીની ચેતવણી સૂચવી હતી.
બનાવની જાણ થતાં અમદાવાદ ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આસપાસની ટીમોને વાહનો સાથે બોલાવાઇ હતી. આર્મીની ત્રણેય વિંગની ટીમો, એનડીઆરએફ, સીઆઇએસએફ, બીએસએફ, પોલીસ, મહેસૂલી તંત્ર અને અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર તાબડતોબ રાહત બચાવ કાર્યમાં જોતરાયું હતું. ફાયરબ્રિગેડની ટીમોએ કાટમાળ પર પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવવા સાથે મુસાફરો અને ડોક્ટર્સને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આસપાસના લોકો પણ તરત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોતરાયા હતા.
