રોલેન્ડ ગેરોસ 2021 ફ્રેન્સ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીત્યાના એક દિવસ બાદ ફોટોકોલમાં સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચે 14 જૂન 2021ના રોજ એફિલ ટાવરની સામે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. (Photo by CHRISTOPHE ARCHAMBAULT/POOL/AFP via Getty Images)

રવિવારે (13 જુન) પુરી થયેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે પોતાના ગ્રીક હરીફ સિત્સિપાસને પાંચ સેટના મુકાબલામાં હરાવી પોતાનું બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતું. આ સાથે, તેણે ચારેય ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાઓના ટાઈટલ બે વખત કે તેથી વધુ હાંસલ કરવાનો 52 વર્ષનો વિશિષ્ટ રેકોર્ડ પણ સ્થાપ્યો છે.

આ તેનું કારકિર્દીનું 19મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતુ. હવે તે સૌથી વધુ 20-20 ગ્રાન્ડ સ્લેમ જીતવાના ફેડરર-નડાલના રેકોર્ડની બરાબરીથી હવે એક જ ટાઈટલ દૂર છે.

સેમિ ફાઈનલની જેમ જ યોકોવિચને ફાઈનલમાં પણ બરોબર 4 કલાક અને 11 મિનિટના મેરેથોન સંઘર્ષ પછી સફળતા મળી હતી. 22 વર્ષના સિત્સિપાસ સામે ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમવા ઉતરેલા 34 વર્ષના યોકોવિચની શરૂઆત નબળી રહી હતી, પહેલા બે સેટ્સ તો એ હારી ગયો હતો.