ભારતીય ઉદ્યોગસાહસિક રજનીશ ગરીબે દ્વારા સ્થાપિત અને સ્ટાફ ન હોય તેવી ચાર બ્રિટિશ કંપનીઓના ગૃપને એક જ મહિનામાં £40 મિલિયન સુધીની ફર્લો પગારની રોકડ રકમ ચૂકવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કંપનીઓએ આ વર્ષે મે મહિનામાં દરેકે £5 મિલિયન અને £10 મિલિયનની રકમનો દાવો કર્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે આ કંપનીઓના ‘યુરોપીયન કોર્પોરેટ હેડક્વાર્ટર’નું ઇસ્ટ લંડનમાં વર્ચ્યુઅલ મેઇલબોક્સ હોવાનું બહાર આવ્યું છે. ટ્રેઝરીએ આ કંપનીઓની અસ્પષ્ટ અથવા અસ્તિત્વ ધરાવતી વેબસાઇટ્સ અને કોઈ વાસ્તવિક સ્ટાફના પુરાવા ન હોવા છતાં તેની કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમમાંથી ફર્લો પગારની રકમ ચૂકવી હતી.

ડોમેન કોર્પોરેશન લિમિટેડ, ડોમેન ફાઉન્ડેશન, ડોમેન ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડોમેન રિસર્ચ હોસ્પિટલના નામથી કંપનીઓ ખોલવામાં આવી હતી. પણ તેમની પાસે વેબસાઇટ્સ હોય તેવું લાગતું નથી. તેમ છતાં તેમણે મે મહિનામાં £50,000નો પગાર કમાતા 10,000 કર્મચારીઓના વેતનને આવરી લેવા માટે પૂરતા ફર્લો નાણાંનો દાવો કર્યો હતો.

ટ્રેઝરી કહે છે કે ‘’ફર્લો સ્કીમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ‘ખોટી’ ચૂકવણીની 23,000  જેટલી તપાસ ચાલી રહી છે. જ્યારે ફાઇનાન્શિયલ ટાઇમ્સના પત્રકારોએ ગરીબેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. પરંતુ કંપની હાઉસમાં રેકોર્ડ્સને ‘અપડેટ’ કરવા માટે રજૂઆત થઇ રહી છે અને સૂચવવામાં આવે છે કે તે હવે કંપનીઓના ડિરેક્ટર નથી.

ડેઇલી મેઇલે કંપનીઓને £40 મિલિયન વિશે પૂછતા ઇમેઇલ્સ મોકલ્યા હતા જેના જવાબમાં મોડી રાત્રે મેનેજિંગ ડિરેક્ટર મારિયા જેમ્સ તરફથી તેમને જવાબ મળ્યો હતો કે ગરીબેએ રોગચાળા પહેલા માર્ચની શરૂઆતમાં કંપનીઓમાંથી રાજીનામું આપ્યું હતું. તેણીએ અન્ય કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો.

એચએમઆરસીએ કહ્યું હતું કે ‘’અમે ચાલી રહેલા કેસો પર ટિપ્પણી કરી શકીશું નહીં, પરંતુ અમે છેતરપિંડી અને ગુનાહિત વર્તનનો સામનો કરવા માટે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ.’