અગ્રણી થિંકટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના વિશ્લેષણ મુજબ યુકે સરકારની ફર્લો યોજના સપ્ટેમ્બરમાં સમાપ્ત થશે પછી નીચું વેતન મેળવતા કામદારોને તેમની નોકરી ગુમાવવાના સૌથી વધુ જોખમનો સામનો કરવો પડે તેમ છે. હોસ્પિટાલિટી, રિટેલ અને લેઝર જેવા સૌથી ઓછો પગાર ધરાવતા ક્ષેત્રના લોકો તેનો વધુ ભોગ બનશે.

સરકારની કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ હાલમાં ફર્લો હેઠળના કામદારોના 80 ટકા વેતનની ચુકવણી કરે છે. આ યોજના અર્થતંત્ર તૂટી પડતાં લાખો નોકરીઓનું નુકસાન અટકાવી શક્યું છે, પરંતુ અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે કે 30 સપ્ટેમ્બરના રોજ આ યોજના સમાપ્ત થશે પછી કેટલીક નોકરીઓ રહેશે નહીં.

સૌથી વધુ પગાર મેળવનારા માત્ર 7 ટકાની સરખામણીમાં નીચુ વેતન મેળવતા કામદારોએ એકવીસ ટકા હિસ્સો ગુમાવ્યો હતો. તા. 30 એપ્રિલના રોજ 3.4 મિલિયન લોકો ફર્લો પર હતા. જે જાન્યુઆરીના 5.1 મિલિયન ફર્લો કર્મચારીઓ કરતા ઓછા હતા.

ફાઉન્ડેશનમાં નોંધ્યું છે કે ગત વર્ષથી ઓછી આવક ધરાવતા લોકોની સંભાવનામાં નોંધપાત્ર સુધારો થયો છે. બેરોજગારી ઘટીને 4.9 ટકા થઈ ગઈ છે અને ટ્રેઝરી દ્વારા કરાયેલ આગાહી મુજબ વર્ષના અંતે બેરોજગારી 6.3 ટકાથી ઘટીને 5.9 ટકા થઇ જશે.

રિઝોલ્યુશન ફાઉન્ડેશનના વરિષ્ઠ અર્થશાસ્ત્રી, ન્યે કોમિનેટ્ટીએ કહ્યું હતું કે “ઓછું વેતન મેળવતા કામદારો આર્થિક સંકટનું કેન્દ્ર છે. જોકે, મોટા જોખમો હજી આગળ છે. આ વર્ષના અંતમાં બેરોજગારીમાં અપેક્ષા મુજબનો વધારો થવાથી ઓછું વેતન મેળવતા કામદારોને સૌથી વધુ જોખમ રહેલું છે, જે નોકરીની અસલામતી માટેનું જોખમ પણ છે.”