Getty Images)

યુકેના કેટલાક વિસ્તારોમાં કોરોનાવાઈરસના ચેપના નવા મોજા માટે કેલ્ડર વેલીના ટોરી એમપી ક્રેગ વિટેકરે એવું કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડનારા લોકોમાંથી મોટા ભાગના એશિયન, બ્લેક તથા વંશીય લઘુમતી (બેમ) સમુદાયના છે, લઘુમતી સમુદાય આ રોગચાળા વિષે ગંભીર નથી. કોરોનાવાઈરસના કેસીઝમાં નવેસરથી ઉછાળો આવતા સરકારે ઘર પરિવારમાં લોકોના એકત્ર થવા ઉપર પણ નવા નિયંત્રણો ફરમાવ્યા છે તેવા નોર્થ ઈંગ્લેન્ડના વિસ્તારોમાં વિટેકરના મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે.

ટોરી એમપીએ એલબીસી રેડિયોને જણાવ્યું હતું કે, “આપણે જ્યાં ચેપના ફેલાવામાં અને નવા કેસીઝમાં વધારો જોઈ રહ્યા છીએ તે વિસ્તારો ઉપર નજર નાખો તો ખ્યાલ આવશે કે બધા નહીં પણ એમાંથી મોટા ભાગના બેમ સમુદાયની વધુ વસતી ધરાવતા વિસ્તારો છે. હું અમારા સ્થાનિક નેતાઓને ત્રણ વીકથી પડકારી રહ્યો છું કે, આપણે આ વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવા માટે શું કરી રહ્યા છીએ? આપણે લોકોને સમજાવવું પડશે કે, કોરોનાવાઈરસના ચેપની સમસ્યા ખૂબજ ગંભીર બાબત છે. લોકો તેના વિષે ગંભીર નહીં બને ત્યાં સુધી આપણે આ રોગચાળામાંથી છુટકારો નહીં મેળવી શકીએ.”

જો કે, રેસિઝમ વિરોધી ચેરિટીઝ તથા વિરોધ પક્ષના એમપીઝે આવી ટીપ્પણીઓની આકરી ટીકા કરી હતી. હેલિફેક્સના લેબર એમવી હોલી લિંચે એવું કહ્યું હતું કે, વિટેકરે કરેલા દાવાઓમાં “સ્હેજે સત્ય નથી.” હું મારા સ્થાનિક બેમ સમુદાયના સભ્યો સાથે રોજ સંપર્કમાં રહું છું. આપણે બધા રોજે રોજ નિરાશાપૂર્વક રીતે નિહાળીએ છીએ કે બીચ ભીડથી ઉભરાતા હોય છે, ફૂટબોલ મેચમાં સેલીબ્રેશન્સ વ્યાપક રીતે થતા હોય છે અને રાત્રે ફરવા જતા જતા લોકો બેફામ શરાબ પીતા હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વોરિંગ્ટન નોર્થના લેબર એમપી શાર્લોટ નિકોલસે તો વિટેકરના આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, “આ તો નર્યું, શુદ્ધ અને સાદું રેસિઝમ છે, તેમની વાત કોઈ પુરાવા ઉપર આધારિત નથી. દાખલા તરીકે, ટ્રેફર્ડમાં ચેપનું નવું મોજું હેલ વિસ્તારમાંથી શરૂ થયાનું જણાય છે, જે સમગ્ર બરોમાં સૌથી ઓછું વૈવિધ્ય ધરાવતો વિસ્તાર છે. આ તો ટોરીઝનો ભાગલા પાડો ને રાજ કરોના સિદ્ધાંતનો ક્લાસિક નમુનો છે.”

શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને તેમની પાર્ટીના એમપીની ટીપ્પણીઓ વિષે પૂછવામાં આવતા જાણે એમને તેનાથી કોઈ ફરક પડતો ના હોય તેવા ભાવ સાથે તેઓએ પત્રકારોને કહ્યું હતું કે, “આખરે તો બધાની જવાબદારી છે,” કે કોવિડ-19નો મુકાબલો કરવો જોઈએ.

વડાપ્રધાન તેમજ હેલ્થ મિનિસ્ટરે આ વીકમાં અગાઉ એવો નિર્દેશ આપ્યો હતો કે, કોરોનાવાઈરસના ચેપનું બીજું વેવ યુરોપથી આવી રહ્યું હોવાનું લાગે છે, જો કે વાસ્તવિકતા એ છે કે સમગ્ર યુરોપમાં યુકેમાં કોરોનાવાઈરસના રોગચાળાની સૌથી મોટી અસર છે.

એન્ટી રેસિઝમ હોટલાઈન ટેલ મામાના ડાયરેક્ટર ઈમાન અત્તા, ઓબીઈએ તો ક્રેગ વિટેકરને કહ્યું હતું કે, તેણે માફી માગવી જોઈએ અને પોતાની ટીપ્પણીઓ પાછી ખેંચી લેવી જોઈએ. મુસ્લિમો તેમજ અન્ય લઘુમતી સમુદાયો રોગચાળા વિષે ગંભીર નથી એવી તેમની ટીપ્પણીઓ વિષે કોન્ઝર્વેટીવ પાર્ટીએ તપાસ કરવી જોઈએ.

મુસ્લિમોએ સમુદાયની સલામતીની હંમેશા દરકાર કરી છે અને ઇદ જેવા તહેવાર વખતે પણ પોતાના નિકટના પરિવારજનોને નહીં મળી શકવાની સ્થિતિ, હતાશા બાબતે સમગ્ર દેશે સહાનુભૂતિ દાખવવાની હોય, તેમના ઉપર દોષારોપણ કરવાનું હોય નહીં. સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નવા નિયમો બરાબર ઈદના એક-બે દિવસ પહેલા જ જાહેર કર્યા હતા. જો તે હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે એવું કહ્યું હતું કે, ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને આ પગલું નથી લેવાયું.