Gautam Adani honored with USIBC Global Leadership
યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા બુધવાર, 7 સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા આઇડિયા સમિટમાં યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડન્ટ અતુલ કેશપે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને 2022નો ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગે નાસ્ટેકના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન એડ નાઇટ તથા યુએસ ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ટરનેશનલ એફેર્સ હેડ મારોન બ્રિલિયન્ટ ઉપસ્થિત રહ્યાં હતા. (ANI Photo)

ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં વધારો કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ બુધવારે, 7 સપ્ટેમ્બરે બિલિયોનેર બિઝનેસમેન ગૌતમ અદાણીનું USIBCના 2022ના ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ((USIBC)ની ઇન્ડિયા આઇડિઝ સમીટ દરમિયાન દિલ્હીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2007થી આ પુરસ્કાર ભારત અને અમેરિકાના ટોચના ઉદ્યોગસાહસિકોને દ્વિપક્ષીય વેપાર સંબંધોને સશક્ત બનાવવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો બદલ આપવામાં આવે છે.

યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડન્ટ અતુલ કેશપે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને 2022નો ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગે નાસ્ટેકના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન એડ નાઇટ તથા યુએસ ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ટરનેશનલ એફેર્સ હેડ મારોન બ્રિલિયન્ટ ઉપસ્થિત રહ્યાં હતા.

અગાઉ જેફ બેજોસ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, નાસ્ડેકના પ્રમુખ એડેના ફ્રીડમેન, ફેડેક્સ કોર્પોરેશનના પ્રમુખ ફ્રેડ સ્મિથ અને કોટક મહિન્દ્રા બેંકના પ્રમુખ ઉદય કોટક જેવી હસ્તિઓને આ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવેલી છે.
આ પ્રસંગે અદાણીએ જણાવ્યું હતું કે સરકારે તેના ભાગની કામગીરી કરી છે અને હવે બંને દેશો વચ્ચે સહકારના માર્ગ શોધવાનું કામ બિઝનેસોનું છે.

ગૌતમ અદાણીએ આ શિખરની થીમને અમેરિકા-ભારત સમૃદ્ધિના આગામી 75 વર્ષોને મહત્તમ બનાવવા સમયની દ્રષ્ટિએ મહત્ત્વની ગણાવી હતી. તેમણે 2050 સુધીમાં અમેરિકા અને ભારતીય GDPનું સંયુક્ત મૂલ્ય 70 ટ્રિલિયન ડોલર થવાની ધારણા વ્યક્ત કરી હતી જે વૈશ્વિક અર્થંતંત્રનો 35-40% હિસ્સો થાય છે.

તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના વર્તમાન સમયના 150 બિલિયન ડોલરના દ્વિપક્ષીય વેપારને સાવ નગણ્ય ગણાવીને હજું ઘણું કરવાની જરૂર છે. તેમણે સૌથી પહેલા તો ક્લાયમેટ ચેન્જના મુદ્દાને અગત્યનો ગણાવીને વિકસિત દેશોએ વિકાસશીલ રાષ્ટ્રોને ટેકો આપવા મામલે વધુ સક્રિય બનવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. સંબોધનના અંતમાં ગૌતમ અદાણીએ USIBCના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નિશા બિસ્વાલની કામગીરી અને વર્તમાન પ્રેસિડન્ટ અતુલ કેશપની કામગીરીને બિરદાવી હતી.

ભારત અને અમેરિકાની સરકારો વતી 1975માં સ્થાપવામાં આવેલી યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) ભારત, અમેરિકા અને ઇન્ડો પેસિફિકની ટોચની ગ્લોબલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

LEAVE A REPLY

eighteen + 12 =