લંડનમાં એશિયન મીડિયા ગ્રૂપ (AMG) દ્વારા આયોજિત GG2 વાર્ષિક એવોર્ડ સમારોહમાં કરેલા સંબોધનમાં સાઉથ એશિયન વારસાના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે “મને એક રાષ્ટ્ર તરીકે આપણી વિવિધતા પર ગર્વ છે. મને પ્રથમ બ્રિટિશ એશિયાઈ વડા પ્રધાન હોવાનો ગર્વ છે, પરંતુ ગર્વની વાત એ પણ છે કે આ કોઈ મોટી વાત નથી.”

મંગળવાર તા. 5ના રોજ સેન્ટ્રલ લંડનમાં એશિયન મીડિયા ગ્રુપ (AMG) દ્વારા યોજાયેલા સમારોહમાં બ્રિટનમાં યુકેના 101 સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી સાઉથ એશિયનોની માહિતી ધરાવતા ‘GG2 પાવર લિસ્ટ 2024’ નું વિમોચન કરાયું હતું. જેમાં સુનક સતત ત્રીજા વર્ષે રેન્કિંગમાં ટોચ પર રહ્યા હતા.

શ્રી સુનકે કહ્યું હતું કે  “આ અસાધારણ સૂચિમાં ટોચ પર હોવું તે સન્માનની વાત છે. પરંતુ મારે તમને કહેવું જ જોઇએ કે એક ભૂલ થઈ છે; બે દીકરીઓના પિતા તરીકે, હું દેશમાં સૌથી શક્તિશાળી એશિયન નથી, હું મારા ઘરમાં પણ સૌથી શક્તિશાળી એશિયન નથી. આપણા અર્થતંત્ર અને આપણા સમાજમાં સાઉથ એશિયાના લોકોના અતુલ્ય યોગદાનની યાદ અપાવે છે. આપણે જે મૂલ્યો શેર કરીએ છીએ તેનું પણ તે રીમાઇન્ડર છે: સખત મહેનત, કુટુંબ, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ. આપણા માટે ઉજવણી કરવા માટે ઘણું બધું છે”

સુનકે આ પ્રસંગે પોતાના દાદા-દાદીની યાદો શેર કરી હતી જેઓ ઘણા વર્ષો પહેલા યુકેમાં સ્થળાંતરિત થયા હતા અને તેમના મૂલ્યોને જાળવી રાખવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

પૂર્વગ્રહ અને ભેદભાવ સામે લડવા માટે 1960ના દાયકામાં AMGએ ગરવી ગુજરાત સાપ્તાહિકની શરૂઆત સાથે એક પ્લેટફોર્મ બનાવ્યું હતું જેને પ્રતિબિંબિત કરતા, સુનકે ગયા અઠવાડિયે એક ભાષણમાંથી તેમનો ઉગ્રવાદ વિરોધી સંદેશ પુનરાવર્તિત કર્યો હતો.

શ્રી સુનકે કહ્યું હતુ કે “હવે આપણામાંના ઘણાએ આપણા જીવનમાં અમુક સમયે આપણે કોણ છીએ તેના કારણે ધિક્કારનો અનુભવ કર્યો છે. આજે, જ્યારે તણાવ વધી રહ્યો છે, ત્યારે આપણે ફરી એક વાર આપણી જાતને એ મૂળભૂત બાબતો માટે સમર્પિત કરવી જોઈએ કે જેના માટે આપણા માતા-પિતાએ વાણીની સ્વતંત્રતા માટે, તમામ પ્રકારના પૂર્વગ્રહ સામે, આપણા વારસા અને આપણા બ્રિટિશ મુલ્યો બંને પર ગર્વ કરીને લડ્યા હતા કારણ કે આધુનિક બ્રિટનમાં તેઓ વસ્યા છે.’’

GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ આ વર્ષે તેના 25માં વર્ષમાં પ્રવેશ્યો છે.  બ્રિટિશ ભારતીય પીઅર લોર્ડ જિતેશ ગઢિયાને ત્રણ દાયકાથી વધુ સમયની જાહેર અને સામુદાયીક સેવા માટે GG2 હેમર એવોર્ડ નામનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું હતું.

AMG ગ્રૂપના મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, “આ પુરસ્કારો 1999માં તમામ વંશીય પ્રતિભાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા અને તેમની સરાહના કરવા માટે શરૂ કરાયા હતા. ખાસ કરીને જેઓ ગ્લાસ સીલીંગ તોડીને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફળ થયા હતા.” મંગળવારે સાંજે જેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે કેટલાક વિજેતાઓમાં જસવંત કૌર નરવાલ, કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર કિરણ પટેલ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને બેંક ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો.

પોસ્ટ ઓફિસ હોરાઇઝન કૌભાંડમાં ફસાયેલા દક્ષિણ એશિયન મૂળના સેંકડો સબપોસ્ટમાસ્ટરોએ તેમના પર ચોરી અને છેતરપિંડીનો ખોટો આરોપ મૂક્યા પછી તેમના નામ સાફ કરવામાં જે હિંમત દર્શાવી હતી તે બદલ તેમને GG2 સ્પિરિટ ઇન કોમ્યુનિટી એવોર્ડ નાયત કરાયો હતો.

GG2 લીડરશીપ અને ડાયવર્સિટી એવોર્ડ્સમાં 700થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેમાં વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે કંપનીઓને પણ એવોર્ડ એનાયત કરાયા હતા.

LEAVE A REPLY

three × 5 =