નવી દિલ્હીમાં 13 જાન્યુઆરે ભારત અને યુકે વચ્ચેની મુક્ત વેપાર સમજૂતીના પ્રારંભ વખતે ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રધાન એની-મેરીટ્રાવેલિને અભિનંદન આપ્યા હતા.(ANI Photo)

વેપાર સમજૂતી માટે ભારતની મુલાકાતે ગયેલા યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન જણાવ્યું હતું કે ભારત સાથેની ડીલ યુકેના બિઝનેસને કતારમાં મોખરે લાવવાની સુવર્ણ તક છે, કારણ કે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે “2050 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે અને તેમાં મધ્યવર્ગના ખરીદદારોની સંખ્યા વધીને 250 મિલિયન હશે. અમે ફૂડ એન્ડ ડ્રિન્કથી લઇને સર્વિસિસ અને ઓટોમોટિવ સહિતના સંખ્યાબંધ ક્ષેત્રોના બ્રિટનના મહાન ઉત્પાદકો અને મેન્યુફેક્ચર્સ માટે આ નવા વિશાળ બજારની તક ખુલ્લી મૂકવા માગીએ છીએ.”

બે દિવસની ભારત મુલાકાત દરમિયાન ભારતના કેબિનેટ પ્રધાનો સાથે દ્વિપક્ષીય મંત્રણા પહેલા તેમણે જણાવ્યું હતું કે એક સ્વતંત્ર ડીલ મેકિંગ દેશ તરીકે યુકે તેના આર્થિક ફલકમાં વધારો કરી રહ્યું છે અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર સાથે મજબૂત ભાગીદારીઓનું સર્જન કરી રહ્યું છે. યુકેના વેપારના મહત્ત્વકાંક્ષી ફાઇવ સ્ટાર યરનો ભારતથી પ્રારંભ થાય છે અને તે દર્શાવશે કે આપણે કરીએ છીએ તે ડીલ્સ કેવી રીતે તમામ દેશોના અર્થતંત્રને વેગ આપે છે અને યુકેના તમામ રિજનના લેવલમાં વધારો કરવામાં મદદ કરે છે.

ઇન્ડિયા-યુકે એફડીએથી બંને દેશોને પુષ્કળ લાભ થશે તેવું યુકેમાં માનવામાં આવે છે. તેનાથી બંને દેશો વચ્ચેનો વેપાર 2035 સુધીમાં વધીને વાર્ષિક ધોરણે 28 બિલિયન પાઉન્ડ થવાનો અંદાજ છે. તેનાથી યુકેમાં વેતનોમાં 3 બિલિયન પાઉન્ડ સુધીનો વધારો થવાની ધારણા છે. યુકેની બ્રિક્ઝિટ પછીની વ્યૂહરચનામાં ભારત સાથેની ડીલને એક મોટું પગલું માનવામાં આવે છે. યુકે આ વ્યૂહરતના મારફત ઇન્ડો પેસિફિક પર ફરી ફોકસ કરવા માગે છે.

આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ ((DIT)એ જણાવ્યું હતું કે યુકે એક એવી સમજૂતી ઇચ્છે છે કે જે ભારતના 2 ટ્રિલિયન પાઉન્ડના અર્થતંત્ર 1.4 બિલિયન ગ્રાહકો સાથે બિઝનેસ અને વેપાર કરવામાં અવરોધમાં ઘટાડો કરે. તેમાં બ્રિટિશનની કાર અને સ્કોચ વ્હિસ્કીની નિકાસ પરની ટેરિફમાં ઘટાડાનો સમાવેશ થાય છે.

કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીના લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે “યુકે અને ભારત વચ્ચે એફટીએ મંત્રણા ચાલુ થઈ છે તેનાથી અમે ખુશ થયા છીએ. વિશ્વના આર્થિક સુપરવાર તરીકે ઝડપથી આગળ વધી રહેલા ભારત સાથે આ વેપાર સમજૂતીથી ભાગીદારીના નવા યુગનો પ્રારંભ થઈ શકે છે તથા યુકે અને ભારતના બિઝનેસ માટે વેપાર અને રોકાણની મોટી તકોનો માર્ગ મોકળો થઈ શકે છે.”

વેપાર વિભાગના અંદાજ મુજબ માત્ર ડ્યૂટી દૂર કરવાથી ભારતમાં યુકેની નિકાસમાં 6.8 બિલિયન પાઉન્ડનો વધારો થશે. હાલમાં સ્કોચ વ્હિસ્કી અને કાર સામે અનુક્રમે 150 ટકા અને 125 ટકા જેટલી જંગી ડ્યૂટી છે.