ગાઝા પટ્ટીમાંથી હમાસના બંદૂકધારીઓથી હુમલા પછી દક્ષિણ ઇઝરાયેલના એશકેલોનમાં એક હોસ્પિટલ નજીક ખુલ્લા મેદાનમાં આગ લાગી હતી. REUTERS/Amir Cohen

ગાઝા પટ્ટીમાંથી આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર કરેલા ઓચિંતા હુમલાને પગલે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી તેલ અવિવ ખાતેના ભારતીય દૂતાવાસે શનિવારે ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી. હમાસના હુમલાને પગલે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ જાહેર કર્યું છે અને કહ્યું છે કે દુશ્મનોએ ભારે કિંમત ચુકવવી પડશે. ભારતીય દૂતાવાસની વેબસાઇટ અનુસાર ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો રહે છે.

ભારતીય દૂતાવાસે તેની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ઇઝરાયેલની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સતર્ક રહેવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે. સાવચેતી રાખો, બિનજરૂરી મુસાફરી ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો.

આ એડવાઇઝરીમાં ઇમર્જન્સી ફોન નંબર તથા ઇઝરાયેલી હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઇટ અને તૈયારી માટેના બ્રોશર આપવામાં આવ્યાં છે. એડવાઈઝરી અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં જારી કરવામાં આવી હતી. ઇઝરાયેલમાં ભારતીય મૂળના અંદાજે 85,000 યહૂદીઓ પણ છે જે પચાસ અને સાઇઠના દાયકામાં ઇઝરાયલમાં ગયા હતા.

દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ (ટ્વીટર) પર જણાવ્યું હતું કે ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો. નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે અમારી સંવેદન અને પાર્થન છે. અમે આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલની સાથે છીએ.

 

LEAVE A REPLY

4 × one =