Government of India advisory to reduce congestion at airports
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા સોમવારે નવી દિલ્હીમાં મુસાફરોની ભીડની ફરિયાદો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ટર્મિનલ 3, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટની ઓચિંતી મુલાકાતે છે. (ANI ફોટો)

દિલ્હી અને અન્ય એરપોર્ટ પર ભારે ભીડને પગલે અરાજકતા ઊભી થઈ હોવાથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવાર, 13 ડિસેમ્બરે  તમામ એરલાઇન્સને એરપોર્ટ પરની ભીડને દૂર કરવા માટે એડવાઇઝરી જારી કરી હતી.  

મંત્રાલયે મુસાફરોના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે તમામ ચેક-ઈન અને બેગેજ ડ્રોપ કાઉન્ટરો પર પર્યાપ્ત માનવબળ તૈનાત કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત, મંત્રાલયે શિડ્યુલ્ડ એરલાઇન્સને સંબંધિત એરપોર્ટના એન્ટ્રી ગેટ્સ પર વેઇટિંગ પીરિયડ અંગેની માહિતી રિયલ ટાઇમ ધોરણે સોશિયલ મીડિયામાં મૂકવાની સૂચના આપી છે.  

દિલ્હી એરપોર્ટ પર લાંબા વેઇટિંગ પીરિયડની મુસાફરોની વધતી ફરિયાદોને પગલે આ એડવાઇઝરી જારી કરાઈ હતી. સત્તાવાળાએ ભીડમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાં લીધા છે, પરંતુ હજુ પણ એરપોર્ટ પર ભારે ભીડ છે. ઇન્ડિગોએ  ટ્વીટર પર એડવાઈઝરી જારી કરીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર લોકોની ભીડ વધુ જોવા મળી રહી છે અને ચેક-ઇન અને બોર્ડિંગનો સમય સામાન્ય કરતાં વધુ લાંબો રહેવાની ધારણા છે.  

મંત્રાલયના જણાવ્યા મુજબ, તેના ધ્યાનમાં આવ્યું છે કે અમુક એરપોર્ટ પર એરલાઇન ચેક-ઇન કાઉન્ટર વહેલી સવારના કલાકો દરમિયાન માનવરહિત અથવા અપર્યાપ્ત રીતે સંચાલિત જોવા મળે છે. તેનાથી એરપોર્ટ પર ભીડ થાય છે અને મુસાફરોને અસુવિધા થાય છે. 

એડવાઇઝરમાં જણાવાયું છે કે “શિડ્યુલ્ડ એરલાઈન્સને તમામ ચેક-ઈન/બેગેજ ડ્રોપ કાઉન્ટર્સ પર પૂરતા માનવબળને અગાઉથી જ તૈનાત કરવાની સૂચના આપવામાં આવે છે, જેથી એરપોર્ટ પર ભીડ દૂર થાય અને મુસાફરોનો સરળ પ્રવાહ સુનિશ્ચિત થાય.” 

સત્તાવાર ડેટા મુજબ ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે અને 12 ડિસેમ્બરના રોજ 4.18 લાખથી વધુ એર ટ્રાફિક હતો.  

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે એરપોર્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તમામ ભીડવાળા એરિયાનું નિરીક્ષણ કર્યું હતું અને એરપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. સત્તાવાળાઓએ ભીડની સમસ્યાનો સામનો કરવા માટે પીક અવર્સ દરમિયાન ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કરવા સહિત એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 

તાજેતરના દિવસોમાં, નવી દિલ્હીમાં દેશના સૌથી મોટા એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર લાંબી કતારો અને લાંબા વેઇટિંગ પીરિયડની અંગે મુસાફરોની ફરિયાદો વધી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને હિતધારકોએ પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ પગલાં લીધાં છે. IGIAમાં ત્રણ ટર્મિનલ છે, જેમાં T1, T2 અને T3નો સમાવેશ થાય છે. તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને કેટલીક ડોમેસ્ટિક સર્વિસ T3થી કામ કરે છે. દિલ્હી એરપોર્ટ દરરોજ  સરેરાશ 1.90 લાખ મુસાફરો અને લગભગ 1,200 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. 

દિલ્હી અને અન્ય એરપોર્ટ પર ભારે ભીડને પગલે મંગળવાર ઇન્ડિગો, સ્પાઇસજેટ, વિસ્તારા સહિતની એરલાઈન્સે મુસાફરોને વહેલા પહોંચવા, વેબ ચેક-ઈન કરવા અને માત્ર એક હેન્ડબેગ રાખવા સૂચના આપી છે. મંગળવારે પણ ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર દિલ્હી એરપોર્ટ પર અરાજકતા અને લાંબા સમય સુધી રાહ જોવાની ફરિયાદ કરી હતી. 

LEAVE A REPLY

two + 14 =