અમદાવાદની નજીક આવેલા બાવળાની રાઇસ મિલમાં હેલ્થકેર વર્કર દ્વારા વર્કરના તાપમાનની ચકાસણી REUTERS/Amit Dave/File Photo

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં 3,255 કેસ નોંધાયા હતા અને 44 દર્દીઓનાં મોત થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,91,268 પર પહોંચ્યો હતા અને કુલ મૃત્યુઆંક 9,665 થયો હતો. અમદાવાદમાં કોરોનાના નવા 522 કેસ નોંધાયા હતા અને 8નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 423 કેસ નોંધાયા હતા અને 7નાં મોત થયા હતા.

સરકારે મંગળવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 9,676 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આમ રાજ્યમાં નવા કેસની સામે ત્રણ ગણાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. કોરોના કેસોમાં ઘટાડાને કારણે રાજ્યનો રિકવરી રેટ વધીને 90.92 ટકા થયો હતો.

રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. 25મેએ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 62,506 હતો, જેમાંથી 603 દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને 61,903 દર્દીઓની હાલત સ્થિર હતી.
સરકારના ડેટા મુજબ વડોદરામાં કોરોનાના નવા 462 કેસ નોંધાયા હતા અને 4ના મોત થયા હતા, જ્યારે રાજકોટમાં નવા 215 કેસ નોંધાયા હતા અને 5નાં મોત થયા હતા. જૂનાગઢમાં નવા 202 કેસ, એકનું મોત, જામનગરમાં નવા 103 કેસ, 3નાં મોત, ભાવનગરમાં નવા 95 કેસ, 2ના મોત થયા હતા.