(PTI Photo)

ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમન થયાના સવા મહિના બાદ 24 જુલાઇથી વરસાદની જમાવટ થઈ હતી. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 252 તાલુકામાંથી 240 તાલુકામાં નોંધપાત્ર વરસાદ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો ૨૮% કરતાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે દિવસભર વાદળછાયા વાતાવરણની વચ્ચે રવિવાર સુધીમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રવિવારે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થયો હતો. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સારો થયો હતો.

રવિવારે રાજ્યના ૧૧૦ તાલુકામાં સરેરાશ ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના લોધિકામાં બે કલાકમાં ૫ ઈંચ સાથે દિવસ દરમિયાન કુલ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. લોધિકા ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ ૭ ઈંચ કરતાં વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા, જુનાગઢના વંથલી, બોડેલી, બોટાદ, જુનાગઢ, ગઢડા, કુતિયાણા, કરજણ, ધોરાજી, જાંબુઘોડા, લીમખેડા, જેતપુર પાવી, ડભોઇમાં ત્રણ ઇંચ સુધી વરસાદ આવ્યો હતો.

જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે રવિવારે બપોર બાદ આભ ફાટતાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામમાં ‘સ્થળ ત્યાં જળ’ની સ્થિતિ જોવા મળી હતી. કાલાવડમાં પણ બપોરે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં અડધાથી 15 ઇંચ સુધીની મેઘમહેર

રવિવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતનાં તમામ આઠ જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામજોધપુર તાલુકાના સડોદર અને નર્મણા સહિતના ગામોમાં ૧૦થી ૧૫ ઈંચ વરસાદ તૂટી પડયો હતો. સડોદરના રાજાશાહી વખતના પાંચેય ડેમ છલકાઈ ગયા હતા. ગિરનાર પર્વત ઉપર પણ અનરાધાર વરસાદથી નદીઓની જેવા ધોધ વહી નિકળ્યા હતા. ત્રણ દિવસ સુધી વરસાદ વરસતા નદી – નાળામાં પૂર આવ્યા હતા. ચેકડેમો પણ છલકાઇ ઉઠયા હતા. મોટા જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી. પરિણામે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ સૌથી વધુ જામજોધપુર તાલુકાના સડોદર ગામે ૧૫ ઈંચ તો નરમાણા ગામે ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

મોરબીમાં મચ્છુ ડેમના 2 દરવાજા ખોલાયા

મોરબી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે સોમવારે મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયો હતો. મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોસવાને કારણે મોરબીના 13 અને માળીયાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મચ્છુ 3 ડેમમાંથી ડેમમાંથી 1,796 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતા. આ ઉપરાંત નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી હતી. મૂશળધાર વરસાદને કારણે મોરબી-વાંકાનેર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોરબી સાથે મોટી વાવડી ગામનો સંપર્ક કપાયો હતો. ગામના વોકળામાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો અને 1,510 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું, તેના કારણે નીંચાણવાળા 8 ગામોને એલર્ટ કરાયા છે. જેતપર, રાપર, માણાબા, ચીખલીમાં એલર્ટ આપવામાં આવ્યું હતું.

કાલાવડ પંથકમાં ત્રણ ડેમો ઓવરફલો

કાલાવડ પંથકમાં પણ ત્રણ ડેમો ઓવરફલો થયા હતા અને નીચાણવાળા વિસ્તારો મા રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સાર્વત્રિક ૧ થી ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમિયા સાગર ડેમ ના પાટિયા ખોલવા પડ્યા હતા. તેમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાયા હતા.

ઉકાઇ ડેમમાં પાણીની સપાટી વધીને 320 ફૂટ થઈ

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં મેઘરાજાની મહેર અને હથનુર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા રવિવારે ઉકાઇ ડેમમાં ૧.૪૧ લાખ કયુસેક પાણી ઠલવાતા સપાટીમાં વધારો થઇને ૩૨૦.૩૨ ફૂટ નોંધાઇ હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં ડેમની સપાટીમાં ૬ ફૂટનો વધારો થયો હતો. હાલની પાણીની સપાટી ડેમના રૂલ લેવલ ૩૩૩ ફૂટ કરતા ૧૩ ફૂટ અને ભયજનક લેવલ ૩૪૫ ફૂટ કરતા ૨૫ ફૂટ ઓછી છે.