પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં વરસાત ખેંચાતા ખેડૂતોને સિંચાઇ-પાણીની સુવિધા મળી શકે તે માટે રાજ્ય સરકારે બુધવાર, 7 જુલાઇથી ખેડૂતોને દિવસમાં 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે.

વરસાદ ખેંચાવાના કારણે અગાઉ ખેડૂતોએ સરકાર સમક્ષ ચાર કલાક વધુ વીજળી આપવા તેમજ તમામ જળાશયોમાંથી પાણી છોડવાની માગણી કરી હતી. ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાતમાં સુજલામ- સુફલામ નેટવર્કમા તત્કાળ અસરથી પાણી છોડવા પણ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. રાજ્યમાં એક સપ્તાહમાં ચોમાસું ફરી સક્રિય નહીં થાય તો ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 49.39 ટકા કૃષિ વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તેલિબીયા પાકનું વાવેતર 62.52 ટકા થયું છે. કઠોળ પાકોનું વાવેતર 36.39 ટકા વાવેતર કરાયું છે. અન્ય ધાન્ય પાકોનું વાવેતર 17.41 ટકા થયું.
હવામાન ખાતાના અપડેટ અનુસાર 10 જુલાઇથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ આવી શકે છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાત ઉપર પણ સર્ક્યુલેશનની અસરથી વરસાદી માહોલ સર્જાશે.