અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ બાદ ખેલાડીઓ હાથ મિલાવે છે. (ANI Photo)

ભારતની ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી આઈપીએલનો આરંભ ગયા સપ્તાહે થયો હતો અને રવિવારે ગુજરાત ટાઈટન્સે પોતાના ઘરઆંગણે પહેલા મુકાબલામાં રવિવારે રાત્રે મુંબઈને ઉત્તેજનાપૂર્ણ સંઘર્ષ પછી છ રને હરાવ્યું હતું. ગુજરાત માટે આ મેચ વિશેષ મહત્ત્વની બની રહી હતી કારણ કે તેનો ભૂતપૂર્વ સુકાની હાર્દિક પંડ્યા આ વખતે હરીફ મુંબઈના સુકાની તરીકે સ્પર્ધામાં હતો અને ગુજરાતે પ્રમાણમાં યુવાન અને સુકાનીપદ માટે બિનઅનુભવી શુભમન ગિલની આગેવાની હેઠળ આ વિજય મેળવ્યો હતો.

ખાસ કરીને છેલ્લી ઓવરમાં હાર્દિક બેટિંગમાં હતો અને મુંબઈને વિજય માટે 19 રન કરવાના હતા, ત્યારે ઉમેશ યાદવે ફક્ત 12 રન આપ્યા હતા અને બે વિકેટ ખેરવી હતી, જેના પગલે ગુજરાત ટાઈટન્સનો 6 રને વિજય થયો હતો.

હાર્દિકે ટોસ જીતી ગુજરાતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ગુજરાતે છ વિકેટે 168 રન કર્યા હતા, જેમાં સાઈ સુદર્શનના 45, સુકાની શુભમન ગિલના 31 અને રાહુલ તેવટીઆના 22 રન મુખ્ય હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 14 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, તો હાર્દિક પંડ્યાએ ત્રણ ઓવરમાં 30 રન આપ્યા હતા, પણ તેને એકપણ વિકેટ નહોતી મળી.

જવાબમાં મુંબઈના બેટર્સે સારો મુકાબલો કર્યા પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યાના કારણે છેલ્લી ઓવરમાં 19 રન કરવાનો પડકાર હતો અને તેની ફક્ત ત્રણ વિકેટ બાકી હતી. પહેલા બે બોલમાં હાર્દિક પંડ્યાએ 10 રન કર્યા હતા અને એવું લાગતું હતું કે, તે મુંબઈને વિજયની મંઝિલે પહોંચાડશે, ત્યારે ત્રીજા બોલે ઉમેશ યાદવે તેની અને પછીના જ બોલે પિયુષ ચાવલાની વિકેટ ખેરવી હતી.

ગુજરાત તરફથી ચાર બોલર્સે 2-2 વિકેટ લીધી હતી. એ પહેલા જો કે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 29 બોલમાં 43 અને ડેવાલ્ડ બ્રેવિસે 38 બોલમાં 46 રન કર્યા હતા, તો તિલક વર્માએ 25 રન કર્યા હતા. ગુજરાત વતી સૌથી વધુ – 45 રન કરનારા સાઈ સુદર્શનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY