ગુજરાત લગભગ 18થી 20 લાખ પક્ષીઓનું ઘર છે અને એકલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પક્ષીઓની 400થી વધુ પ્રજાતિઓ રહે છે. 161 પ્રજાતિના 4.56 લાખ પક્ષીઓની વસ્તી સાથે કચ્છ જિલ્લો ટોચ પર આવ્યો છે. વિવિધતાની દ્રષ્ટિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 456 પ્રજાતિઓ રહે છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે સોમવારે જારી કરેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ ઓફ 2023-24’ મુજબ વન વિભાગે ‘ઈબર્ડ’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરેલા સર્વેના આધારે આ રીપોર્ટ તૈયાર કર્યો હતો. સર્વેક્ષણ દરમિયાન વન વિભાગે પક્ષીઓની 300 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું, જેમાં 13 પ્રજાતિ વિલુપ્ત થવાના આરે છે.
રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે લગભગ 18 થી 20 લાખની વસ્તી સાથે ગુજરાત દેશમાં પક્ષીઓ માટે સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.નળ સરોવર, નાડા બેટ અને થોલ સરોવર સ્થાનિક અને સ્થળાંતરીત પક્ષીઓની પ્રજાતિઓ માટે “હોટસ્પોટ” છે. આ દરેક સ્થળોમાં 50,000થી વધુ પક્ષીઓ જોવા મળે છે.
221 પ્રજાતિના 4.11 લાખથી વધુ પક્ષીઓ સાથે જામનગર કચ્છ પછી બીજા ક્રમે આવે છે. જ્યારે અમદાવાદમાં 256 પ્રજાતિના 3.65 લાખથી વધુ પક્ષીઓ છે. બનાસકાંઠા અને મહેસાણામાં પણ 1 લાખથી વધુ પક્ષીઓ છે.
નર્મદા જિલ્લામાં 44 પ્રજાતિના માત્ર 556 પક્ષીઓ નોંધાયા હતાં, જ્યારે આણંદ, બોટાદ અને સુરત જિલ્લામાં 2,000થી ઓછા પક્ષીઓ જોવા મળ્યાં હતાં. અમદાવાદની નજીક આવેલા અને ‘રામસર સાઇટ’ તરીકે વર્ગીકૃત કરાયેલ નળ સરોવરમાં 3.62 લાખ સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓ જોવા મળ્યાં હતા. તોરણીયા-જોડિયામાં 1.59 લાખ, નાડા બેટમાં 1.45 લાખ, થોળમાં 1.11 લાખ અને કચ્છની ભારત-પાક સરહદે 90,225 પક્ષીઓ રહે છે.