(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમે કાનપુરમાં મંગળવારે બીજી અને અંતિમ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ઝંઝાવાતી રમત સાથે અસંભવ લાગતું પરિણામ હાંસલ કરી પ્રવાસી ટીમને સાત વિકેટે હરાવી બીજી ટેસ્ટમાં કલ્પનાતિત વિજય સાથે સીરીઝ 2-0થી જીતી લીધી હતી. અઢી દિવસથી વધુની રમત વરસાદ, નબળા પ્રકાશ અને મેદાની ખરાબ સ્થિતિના કારણે ધોવાઈ ગઈ હતી ત્યારે આ ટેસ્ટમાં કોઈ પરિણામની શક્યતા સોમવારે સવાર સુધી તો કોઈને ય દેખાતી નહોતી. ચોથા દિવસની રમત શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશના પહેલી ઈનિંગમાં 3 વિકેટે 107 રન થયા હતા. પહેલા દિવસે ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મેચ મોડી શરૂ થઈ હતી અને ફક્ત 35 ઓવર્સની રમત પછી ખરાબ પ્રકાશના કારણે રમત અટકાવવી પડી હતી.

પણ ચોથા દિવસે ભારતીય બોલર્સે વધુ 40 ઓવર્સમાં તો બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બુમરાહને 3, આકાશદીપ, સિરાજ તથા અશ્વિનને બે-બે અને જાડેજાને એક વિકેટ મળી હતી. એ પછી ભારતે જબરજસ્ત ઝંઝાવાતી બેટિંગ સાથે ફક્ત 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન ખડકી દઈ ઈનિંગ ડીકલેર કરી હતી. યશસ્વી જયસ્વાલે 72, કે. એલ. રાહુલે 68, વિરાટ કોહલીએ 47, શુભમન ગિલે 39 તથા સુકાની રોહિત શર્માએ 23 રન કર્યા હતા. સુકાનીએ તમામ બેટર્સને સ્પષ્ટ સૂચના આપી હતી કે, આઉટ થઈ જવાની ચિંતા કરશો નહીં, બસ ઝંઝાવાતી બેટિંગ કરજો. તેના પગલે, ભારતે વન-ડે કે ટી-20માં પણ ક્યારેક શક્ય ના બને તેટલા, 8.22ના રનરેટથી 285 રન ખડકી દીધા હતા અને ઈનિંગ ડીકલેર કરી દીધી હતી. દિવસના અંતે તો બાંગ્લાદેશની બીજી ઈનિંગની પણ બે વિકેટ ભારતે ખેરવી નાખી હતી.

અને પાંચમાં દિવસે પણ એ જ ગેમ પ્લાન સાથે મેદાનમાં ઉતરેલા ભારતીય બોલર્સે 36 ઓવર્સમાં પ્રવાસી ટીમની બાકીની 8 વિકેટ ખેરવી બાંગ્લાદેશને ફક્ત 146 રનમાં ઓલાઉટ કરી દીધું હતું. આ રીતે, પ્રથમ ઈનિંગની લીડ બાદ કરતાં ભારતને વિજય માટે ફક્ત 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ફક્ત 17.2 ઓવરમાં પુરો કરી નાખ્યો હતો. યશસ્વીએ ફરી અડધી સદી કરી હતી, તો કોહલીએ અણનમ 29 કર્યા હતા. જયસ્વાલને પ્લેયર ઓફ ધી મેચ તથા રવિચન્દ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.

ભારતના ઝંઝાવાતી બેટિંગમાં બે વર્લ્ડ રેકોર્ડ, અશ્વિન – જાડેજા – કોહલીની સિદ્ધિઓ

ભારતે સોમવારે પહેલી ઈનિંગમાં ઝંઝાવાતી બેટિંગ કરી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50, અને 200 રનના નવા વર્લ્ડ રેકોર્ડ કર્યા હતા. ટીમે ફક્ત 2.6 ઓવરમાં (19 બોલ) 50, 10.1 ઓવરમાં 100, 18.2 ઓવરમાં 150 અને 24.2 ઓવરમાં 200 રન ઝુડી નાખ્યા હતા. ઝડપી 100 અને 150 રનનો રેકોર્ડ ભારતીય ટીમ પુરતો મર્યાદિત રહ્યો.
આ ઉપરાંત રવિચન્દ્રન, રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ પણ અંગત સિદ્ધિઓના નવા રેકોર્ડ કર્યા હતા. અશ્વિનને 11મી વખત પ્લેયર ઓફ ધી સીરીઝનો એવોર્ડ મળ્યો હતો, જે મુથૈયા મુરલીધરનના 11ની બરાબરીમાં છે, હવે એક વધુ રેકોર્ડ સાથે તે વર્લ્ડ રેકોર્ડ તેના નામે થઈ શકે છે. જાડેજાએ 300 વિકેટ અને 3000 રનનો રેકોર્ડ કર્યો હતો તો કોહલીએ પણ ત્રણે ફોર્મેટમાં મળી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 27000 રનનો રેકોર્ડ કર્યો હતો. તેણે સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી કુલ 594 ઈનિંગમાં આટલા રન સોમવારે ચોથા દિવસની રમતમાં જ પુરા કર્યા હતા. સચિને 623, શ્રીલંકાના કુમાર સંગાકારાએ 648 અને ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટીંગે 650 ઈનિંગમાં 27000 રનનો આંકડો વટાવ્યો હતો.

LEAVE A REPLY