ચાલુ શૈક્ષણિક વર્ષમાં એક મહત્વપૂર્ણ પગલું લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ ધોરણ 9થી 12 માટે પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય-આધારિત પ્રકરણોનો સમાવેશ કર્યો છે. બોર્ડે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ એમ પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં બે-બે પ્રકરણ ઉમેર્યા છે.
આ પહેલનો હેતુ પરંપરાગત ભારતીય જ્ઞાન પ્રણાલીઓ સાથે વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવાનો છે. ગુજરાત સરકારે કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના માળખા હેઠળ નિર્ણય લીધો હતો. ગયા વર્ષે, તેને ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓ માટે ભગવદ ગીતા પર એક પૂરક પાઠ્યપુસ્તક શરૂ કર્યું હતું જેથી તેમને ભારતની “સમૃદ્ધ વૈવિધ્યસભર અને પ્રાચીન સંસ્કૃતિ” સાથે જોડવામાં આવે.
ગુજરાત બોર્ડ દ્વારા તમામ DEO (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)ને આ બાબતે પરિપત્ર કરીને સ્કૂલોને ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26થી નવા પુસ્તક-નવા પરિરૂપનો સ્કૂલોમાં અમલ કરાવવા આદેશ કરાયો છે. બોર્ડના જણાવ્યા મુજબ, પ્રશ્નપત્ર પરિરૂપમાં નિષ્ણાંતો દ્વારા સુધારા કરવામા આવ્યા છે અને 17 જુલાઈની બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરાયેલા નિર્ણય અન્વયે આ વર્ષથી 9 થી 12માં પ્રથમ ભાષા વિષયોના અભ્યાસક્રમના માસવા આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામા આવ્યો છે.
