ગુજરાતમાં કોરોનાની પકકડ દિનપ્રતિદીન મજબૂત થતી જાય છે.કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડયો નથી જેના કારણે લોકોની ય ચિંતા વધી છે.હજુય અમદાવાદ શહેરમાં રોજ સરેરાશ 250ની આસપાસ કેસો નોંધાઇ રહ્યાં છે.આ જોતાં અમદાવાદ જાણે કોરોનાનું કેપિટલ બન્યું છે.અત્યારે પરિસ્થિતી એવી છેકે,આખાય ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો જ કોરોનામુક્ત રહી શક્યો છે.

આજે પણ ગુજરાતમાં વધુ 367 કેસો નોંધાયા હતાં. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 15574 કેસો નોંધાઇ ચૂક્યાં છે.કોરોનાને લીધે વધુ 22ના મોત નિપજ્યા હતાં પણ રાજ્ય આરોગ્ય વિભાગે એવો ગોટાળો સર્જ્યો કે, 19ના મોત થયાં છે તેવુ જાહેર કરી દીધુ હતું. કોરોનાનો મૃત્યુઆંક હવે 960 સુધી પહોંચ્યો છે.

લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે.છેલ્લાં 24 કલાકમાં જ રાજ્યના 22 જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા હતાં. આ એજ પ્રસ્થાપિત કરે છેકે,કોરોના કેટલી હદે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે.અત્યારે તાપી અને મોરબી જિલ્લો એવો છેકે,જયાં દસથી ઓછા કેસ છે.બાકીના બધાય જિલ્લામાં કોરોનાના કેસોનો આંક ડબલ ફિગર છે.

ગુજરાતમાં દર દસ લાખે 245 લોકો કોરોનાથી સંક્રમિત છે.અમદાવાદ શહેર તો કોરોનાનુ કેપિટલ બની રહ્યું છે તેનુ કારણ એછેકે,ગુજરાતમાં નોધાયેલાં કુલ કેસો પૈકી 73 ટકા કેસો તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે.આજે પણ અમદાવાદમાં નવા 247 કેસો નોંધાયા હતાં. શહેરમાં કોટ વિસ્તારને બાદ કરતાં પૂર્વ વિસ્તારમાં કેસો ચિંતાજનક હદે વધવા માંડયા છે.અમદાવાદમાં કુલ કેસોનો આંક 11344 થયો છે.

અમદાવાદ ઉપરાંત સુરતમાં 44,વડોદરામાં 33,મહિસાગરમાં 8,રાજકોટમાં 7,ગાંધીનગરમાં 4 કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત આણંદ અને પંચમહાલમાં 2-2 કેસો નોંધાયા હતાં. અરવલ્લી,બનાસકાંઠા,બોટાદ,છોટા ઉદેપુર,ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, વલસાડમાં એક-એક કેસ નોંધાયો હતો. આમ, એક જ દિવસમાં 22 જિલ્લામાં કુલ મળીને 367 કેસો નોંધાયા હતાં.

રાજ્ય આરોગ્ય વિભાગ માત્ર સાજા થતાં દદીઓની સંખ્યા વિશે જાણકારી આપીને જાણે કોરાનાને કાબૂ કર્યો હોય તેવો ડોળ કરી રહ્યું છે.વાસ્તવમાં કોરોનાના રોજ કેટલાં ટેસ્ટ કરાયાં અને રોજ 25થી વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે ત્યારે તે અંગે કોઇ જવાબ આપવા તૈયાર નથી. આ સંજોગો વચ્ચે આજે વધુ 22 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટયા હતાં જેના કારણે ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 960 સુધી પહોંચ્યો છે.

કોરોનાના મૃત્યુની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે રહ્યુ છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 16ના મોત નિપજ્યા હતાં. ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે રાજ્ય આરોગ્ય વિભાગે કઇ હોસ્પિટલમાં કેટલાં દર્દીઓના મોત થયાં છે તે માહિતી આપવાનુ ય બંધ કરી દીધુ છે જેથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મળતી સારવાર વિશે ગુજરાતીઓ બેખબર રહે.આજે પણ આરોગ્ય વિભાગે ઓછા મૃત્યુ દેખાડવા 19ના મોત થયાં હોવાનુ જાહેર કર્યુ હતું.

વાસ્તવમાં અમદાવાદમાં 16,વડોદરામાં 3,કચ્છમાં 1,પાટણમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 એમ કુલ મળીને 22ના મોત થયાં હતાં.આજે 454 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેમાં ય અમદાવાદમાં સૌથી વધુ 381ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8003 લોકો કોરોના સામેનો જંગ જીત્યાં છે. રાજ્યમાં હાલમાં કુલ 3.13 લાખ લોકો કવોરન્ટાઇન હેઠળ રખાયા છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 1,98,048 ટેસ્ટ કરાયાં છે.