છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું શુક્રવારે નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા. 20 દિવસમાં તેઓને ત્રીજી વાર હાર્ટ એટેક આવ્યા હતા. ત્યાર પછી તેમની સ્થિતિ ગંભીર હતી. જોગી 2000થી 2003 છત્તીસગઢના મુખ્યમંત્રી રહ્યા હતા.અજીત જોગી 9 મેથી કોમામાં હતા. આંબલીયો ગળામાં અટકાઈ જવાના કારણે તેમને પ્રથમવાર હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી 27 મેની રાત્રે પણ તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે બીજા દિવસે તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે તેમને ફરી હાર્ટ એટેક આવતા રાયપુર શ્રીનારાયણા હોસ્પિટલ દ્વારા મેડીકલ બુલેટિન બહાર પડાયું હતું. જેમાં જણાવાયું કે જોગી પરીવારની સહમતીથી ડોક્ટરોએ તેમને વિશેષ ઈન્જેક્શન આપ્યું છે. આ ખૂબ રેર પ્રકારનું ઈન્જેક્શન છે. તેનો ઉપયોગ છત્તીસગઢમાં ઓછો થાય છે. જોકે તેમ છતા પણ તેઓને બચાવી શકાયા ન હતા.