પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં મંગળવારે સાત દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧,૫૦૦થી નીચે આવ્યો હતો, પરંતુ મૃત્યુઆંક 4000ને વટાવી ગયો હતો. સરકારે મંગળવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૪૭૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ હતી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૧૧,૨૫૭ થયો હતો.

ગુજરાતમાં મંગળવાર સાંજ સુધીમાં ૧૪, ૮૮૫ એક્ટિવ કેસ હતા જ્યારે ૮૧ દર્દી વેન્ટિલેટર પર હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ સાથે કોરોનાથી કુલ મરણાંક ૪,૦૦૪ થયો હતો. છેલ્લાં 24 કલાકમાં વધુ ૧,૫૪૭ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી કુલ ૧,૯૨,૩૬૮ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી રિક્વરી રેટ હવે ૯૧.૦૬% છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૩૧૧ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૧ એમ નવા ૩૩૨ કેસ સામે આવ્યા હતા. આ સાથે અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૫૦,૪૦૯ થયો હતો. સુરત શહેરમાં ૨૧૪-ગ્રામ્યમાં ૫૦ એમ ૨૬૪ સાથે કુલ કેસનો આંક ૪૩૯૧૬ થયો હતો. વડોદરા શહેરમાં ૧૪૦-ગ્રામ્યમાં ૪૧ સાથે ૧૮૧, રાજકોટ શહેરમાં ૯૪-ગ્રામ્યમાં ૬૬ સાથે ૧૬૦ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં મહેસાણામા ૬૭, ખેડામાં ૪૮ જામનગરમાં ૩૬ બનાસકાંઠામાં ૨૯ અમરેલીમાં ૨૮, કચ્છામાં ૨૩ અને જુનાગઢમાં ૨૨ કેસ નોંધાયા હતા.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, સુરતમાંથી ૨ જ્યારે અમરેલી-પાટણ-વડોદરામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૦૭૦, સુરતમાં ૯૦૧, વડોદરામાં ૨૨૨, પાટણમાં ૫૨, અમરેલીમાં ૨૭ થયો હતો.