ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને 75 ટકા કેસ માત્ર અમદાવાદ-વડોદરામાંથી જ નોંધાયા છે. જોકે, ગુજરાતના 33મંથી 13 જિલ્લા એવા પણ છે જ્યાં કોરોના હજુ સુધી પગપેસારો કરવામાં સફળ રહ્યું નથી. જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, વલસાડ, તાપી, મહીસાગર, અરવલ્લી, ખેડા, નર્મદા, ડાંગ, નવસારીનો સમાવેશ થાય છે. આ 13 જિલ્લાઓમાં કોરોનાના કુલ 1317 ટેસ્ટ કરાયા છે અને તેમાંથી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. સમગ્ર ગુજરાતમાં હજુ સુધી કોરોનાના 14980 ટેસ્ટ કરાયા છે અને કુલ 13751 લોકો ક્વોરેન્ટાઇન છે. સુરતમાંથી સૌથી વધુ 2900 જ્યારે અમદાવાદમાંથી 2642 લોકો ક્વોરેન્ટાઇન થયેલા છે.