રાજ્યમાં કોરાના વાઇરસનું સંક્રમણ સતત વધતું જાય છે ત્યારે નાગરિકો માટે થોડા રાહતભર્યા સમાચાર એ છે કે, સપ્ટેમ્બર મહિનામાં રિકવરી રેટ ટોચ પર રહ્યો છે. સપ્ટેમ્બરમાં નોંધાયેલ કુલ કેસની સામે સાજા થનાર દર્દીનો દર ૯૯.૬૯ ટકા રહ્યો છે જ્યારે મૃત્યુદર ઘટીને માત્ર ૧.૦૮ ટકા રહ્યો છે.

છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં કોરોનાના ૩૯,૫૬૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે ૩૯,૪૪૯ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં હતા. કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા ઘટીને માત્ર ૪૩૧ નોંધાઈ હતી. આમ છેલ્લા મહિનામાં રિકવરી રેટ ટોચ પર રહ્યો છે જ્યારે મૃત્યુદર તળીયે આવતાં હાશકારો અનુભવાયો છે.

ગુજરાતમાં કોરાનાની સ્થિતિની વાત કરીએ તો, માર્ચ મહિનાના ૧૩ દિવસમાં કુલ ૭૪ પોઝિટિવ કેસ આવ્યાં હતા જેમાંથી ૬ દર્દીનાં મોત થયાં હતાં જેની ટકાવારી ૮.૧૦ ટકા રહી હતી. ત્યાર પછીના એપ્રિલ મહિનામાં નોંધાયેલ કુલ ૪,૩૨૧ કેસની સામે આ મહિનામાં ૨૦૮ દર્દીનાં મોત થયાં હતાં. મે મહિનામાં ૧૨,૩૯૯ કેસ નોંધાયા હતા જેની સામે ૮૨૪ દર્દીનાં મોત થયાં હતાં. જૂન મહિનામાં ૧૫,૮૪૯ કેસ નોંધાયા હતા જેની સામે ૮૧૦ દર્દીનાં મોત થયાં હતાં. જુલાઈ મહિનામાં ૨૮,૭૯૫ કેસ નોંધાયા હતા જેમાંથી ૫૯૩ દર્દીનાં મોત થયાં હતાં, જેની ટકાવારી ૨.૦૫ ટકા રહી હતી.
આમ જુલાઈ માસથી મૃત્યુદરમાં ઘટાડો થયો હતો અને રિકવરી રેટમાં સતત વધારો થવાનું શરૂ થયું હતું.

ઓગસ્ટ મહિનામાં ૩૪,૯૯૭ કેસ નોંધાયા હતા જેમાંથી ૫૮૧ દર્દીનાં મોત થયાં હતાં જેની ટકાવારી ૧.૬૬ ટકા રહી હતી. બાદમાં છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલ કુલ ૩૯,૫૬૯ કેસની સામે ૪૩૧ દર્દીનાં મોત થયાં છે. બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો નોંધાયો છે. માર્ચ-એપ્રિલમાં ૬૧૩ દર્દીઓ સાજા થયા હતા. મે મહિનામાં સાજા થનાર દર્દીની સંખ્યા ૯,૩૦૬ હતી, જૂનમાં ૧૩,૭૫૧, જુલાઈમાં ૨૧,૨૩૭, ઓગસ્ટમાં ૩૨,૮૭૫ અને સપ્ટેમ્બરમાં આ સંખ્યા વધીને ૩૯,૪૪૯એ પહોંચી હતી.