મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થયું છે.

જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન સાથે રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ આ પ્રવાસમાં સામેલ થશે.

ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશન જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની હોવાથી જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવામાં આ પ્રવાસ ઉપયુક્ત બનશે. જાપાન ૨૦૦૯થી આ વાઇબ્રન્‍ટ સમિટમાં પાર્ટનર કન્‍ટ્રી રહ્યું છે. પ્રતિનિધિમંડળ ૨૬ નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે.
ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસની અનોખી સંભાવનાના સંદર્ભમાં જાપાન ભાગીદાર બને તે હેતુસર જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે.
૧ ડિસેમ્બરના રોજ પ્રતિનિધિમંડળ સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. ગુજરાતનું પ્રતિનિધિમંડળ સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત પણ લેશે. ૨ ડિસેમ્બરના સિંગાપોરમાં વિવિધ સાઇટ્સ વિઝિટ કરીને અમદાવાદ પરત આવવા રવાના થશે.

LEAVE A REPLY

19 − eight =