ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે, વિધાનસભામાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે. રાજ્ય સરકાર દારૂબંધી હટાવવાના કે પ્રતિબંધો હળવા કરવાના સહેજ પણ મૂડમાં નથી. વિધાનસભામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી દર મિનિટે ૫,૭૬૯ રૂપિયાના દારૂ, બીયર અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે, રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં ૬૦૬.૪૨ કરોડ રૂપિયાનો દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
વિધાનસભામાં જપ્ત કરાયેલા ડ્રગ્સ અને દારૂના મુદ્દે ચર્ચા થઈ રહી હતી. જે દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દારૂબંધીને હળવા કરવાના મૂડમાં નથી કારણકે તે યુવાનો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો લેખિત જવાબ આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂ અને ડ્રગ્સના વેપલામાં સંકળાયેલા લોકોને પકડવા માટે કડક માપદંડો બનાવાયા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડ્રગ્સનો ઓર્ડર આપવા માટે ‘ડાર્ક વેબ’ નવા માધ્યમ તરીકે ઊભરી રહ્યું છે અને આગામી દિવસોમાં મોટો પડકાર સાબિત થઈ શકે છે. એક સલૂનનો માલિક ડ્રગ્સ વેચતો પકડાયો ત્યારે ડાર્ક વેબના ઉપયોગનો ખુલાસો થયો હતો.
વિધાનસભામાં આપેલા જવાબ પ્રમાણે, ગુજરાત પોલીસે ૧.૦૬ કરોડ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ૨૧૫.૬૩ કરોડ રૂપિયા છે. ૪.૩૪ કરોડ રૂપિયાની કિંમતનો ૧૯.૩૪ કરોડ લિટર દેશી દારૂ, ૧.૬૨ કરોડ રૂપિયા કિંમતની ૧૨.૨૦ લાખ બીયર બોટલ અને કેન જપ્ત કરવામાં આવ્યા છે. ૩૭૦.૨૫ કરોડ રૂપિયાના હેરોઈન, ગાંજા, ચરસના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. આ બધું જ છેલ્લા બે વર્ષમાં એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની વચ્ચે જપ્ત કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે આપેલા આ આંકડાને લઈને કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ડ્રગ્સના દૂષણ સામે સૂત્રોચ્ચાર કરીને રાજ્ય વાઈબ્રન્ટ ગુજરાત નહીં ‘ઉડતા ગુજરાત’ હોવાનો આરોપ મૂક્યો હતો. શહેરકોટડાના કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, બોર્ડર પર અપૂરતી સુરક્ષા વ્યવસ્થાને કારણે જ દારૂ અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે. સરહદી જિલ્લાઓમાં પોસ્ટિંગ થયું હોય તેવા અધિકારીઓ સામે પગલાં લેવાની વાત પણ કોંગ્રેસ ધારાસભ્યએ કરી હતી. તેમણે આગળ કહ્યું કે, મુંદ્રા પોર્ટ પર ૨૧,૦૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો. શૈલેષ પરમારે મુંદ્રા પોર્ટ વિશે વાત કરતાં જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને સ્પીકરે વિધાનસભા સ્થગિત કરી હતી.
બાદમાં કચ્છમાંથી પકડાયેલા ડ્રગ્સના આંકડા પર ધ્યાન દોરતાં ઉનાના કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે કહ્યું કે, મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સની વાત છુપાવવા માટે સરકારે મરણિયા પ્રયાસ કર્યા હતા. ગુજરાત પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હોવા છતાં સરકારે વિધાનસભામાં આપેલા જવાબમાં આ મુદ્દાનો ઉલ્લેખ નથી.