કોંગ્રેસે બુધવારથી આઝાદી ગૌરવ યાત્રાનો અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કર્યો છે. આ યાત્રાનો હેતુ દેશની આઝાદીમાં કોંગ્રેસે આપેલા યોગદાન અને 1947 પછી દેશના વિકાસમાં કોંગ્રેસની ભૂમિકાને લોકો સમક્ષ રજૂ કરવાનો છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, અર્જુનભાઇ મોઢવાડીયા, વિરજીભાઇ ઠુંમર સહિતના નેતાઓ જોડાયા હતા. સવારે ૮ કલાકે સાબરમતી ગાંધી આશ્રમથી આ યાત્રાનું પ્રસ્‍થાન થયું હતું. ગુજરાતમાં ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ યાત્રા ચાલુ કરી રહી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્‍યું હતું કે ૧ર૦૦ કિ.મી. લાંબી યાત્રા ગુજરાતના પ જિલ્લાઓમાં ૧૦ દિવસનો પ્રવાસ કરશે, ચાર રાજ્યોમાંથી પસાર થઈને સમગ્ર યાત્રા પ૮ દિવસ પુર્ણ કરીને પહેલી જુને દિલ્‍હી રાજઘાટ ખાતે સમાપન થશે. ગુજરાત પાંચ જિલ્લા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીથી યાત્રા પસાર થશે. યાત્રામાં ૭પ મુખ્‍ય પદયાત્રી અને ૧રપ સહપદયાત્રી જોડાશે. ત્રણ કેટેગરીમાં પદયાત્રી જોડાશે. જુદા-જુદા સમુદાયને જોડવા માટે અન્ન મિલે તો મન મિલેના વિચાર સાથે યાત્રા દરમિયાન દાતાઓ પાસેથી ભેગુ કરેલ અન્નો ભંડારો કરવામાં આવશે.