અમદાવાદમાં સોમવાર, 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ બાદ રોડ પર પાણી ભરાયા હતા.

ગુજરાતમાં સપ્ટેમ્બરના ૨૬ દિવસમાં જ  સરેરાશ ૧૩ ઈંચ વરસાદ સાથે રવિવાર, 26 સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનનો 82 ટકા વરસાદ નોંધાયો હતો. જોકે હજુ ઘટ ૧૧% ઘટ રહી હતી. વલસાડમાં ૮૪.૬૦ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે ૧૪.૮૦ ઈંચ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.

39 તાલુકામાં સિઝનનો 40 ઇંચ વરસાદ

૨૬ સપ્ટેમ્બર સુધી ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાની સંખ્યા વધીને ૩૯ થઇ ગઇ હતી. આ સિવાય ૯૪ તાલુકામાં ૧૦ ઈંચથી ૨૦ ઈંચ સુધીનો જ્યારે ૨૦થી ૪૦ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હોય તેવા ૧૧૫ તાલુકા હતા.

દક્ષિણ ગુજરાતમાં  સિઝનનો સૌથી વધુ 47.42 ઇંચ

સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકામાં ૧૦૪.૮૦ ઈંચ સાથે વલસાડ જિલ્લાનો કપરાડા મોખરે હતો. આ સિવાય ઉમરગામમાં ૯૦.૦૭ ઈંચ, વાપીમાં ૮૪.૨૫ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાઇ પડ્યો હતો. જોકે, રાજ્યમાં 26 સપ્ટેમ્બર સુધી કેટલાક જિલ્લા એવા હતા, જ્યાં વરસાદની ઘટ ૩૦%થી વધારે હતી. જેમાં તાપી જિલ્લો ૩૯% ઘટ સાથે મોખરે હતો. અમદાવાદમાં ૩૬% અને વડોદરામાં ૩૫% વરસાદની ઘટ હતી. રાજ્યના વિવિધ વિસ્તારો પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ૪૭.૪૨ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં ૧૫.૨૫ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ આવ્યો હતો.

ઓડિશાના વાવાઝોડાને પગલે વરસાદની આગાહી

સોમવાર, 28 સપ્ટેમ્બરે ઓડિસામાં આવેલા ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં સોમવાર 26 સપ્ટેમ્બર સુધીમાં આશરે 82 ટકા વરસાદ નોંધાયો હતી. રવિવાર અને સોમવારે રાજ્યના 147 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

હવામાન વિભાગે રવિવાર, 26 સપ્ટેમ્બરે ઓડિસાના વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે 29 સપ્ટેમ્બરના રોજ 40થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

આગામી 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં સીઝનનો વરસાદ

વિસ્તાર વરસાદ સરેરાશ

સૌરાષ્ટ્ર ૨૫.૫૮ ૯૨.૭૫%

કચ્છ ૧૫.૨૫ ૮૭.૬૩%

દક્ષિણ ૪૭.૪૨ ૮૨.૪૧%

પૂર્વ મધ્ય ૨૩.૪૬ ૭૩.૯૨%

ઉત્તર ૧૮.૭૬ ૬૬.૫૩%

સરેરાશ ૨૭.૨૫ ૮૨.૪૦%

(વરસાદ ઇંચમાં, 26 સપ્ટે.21 સુધીના ડેટા)