ખેડૂતોના ભારત બંધને એલાનને કારણે સોમવાર, 27 સપ્ટેમ્બર 2021ના રોજ દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પર ટ્રાફિક જામ થયો હતો. (PTI Photo)

ભારત સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની સીમા પર ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતોએ , સોમવાર, 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. ખેડૂતોના આપેલા આ એલાનની દિલ્હી, હરિયાણા અને પંજાબમાં અસર થઈ હતી, જોકે દેશના બીજા રાજ્યોમાં નહિવત અસર જોવા મળી હતી. હરિયાણાની સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું હતું. પોલીસ દાવો કર્યો હતો કે ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. દિલ્હીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

સંયુક્ત કિસાન મોરચા આપેલા બંધને કોંગ્રેસ, શિવસેના અને આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોએ ટેકો આપ્યો હતો. ખેડૂતના નેતા વિજેન્દર સિંહ રતિયાએ રવિવારે દિલ્હીની ટિકરી બોર્ડર પર કહ્યું હતું કે 27 સપ્ટેમ્બરે સમગ્ર ભારત બંધ રહેશે. હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ બંધની વધુ અસર જોવા મળી હતી. દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિકજામ થયો હતો.

દિલ્હી-ગુરૂગ્રામ સરહદેથી ગાડીઓની ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ખેડૂતોના દેખાવોને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આ વિરોધી દેખાવને કારણે ઉત્તરપ્રદેશ-ગાઝીપુર બોર્ડર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો અને દિલ્હીના લાલ કિલ્લાની આસપાસનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

દિલ્હી-અમૃતસર હાઈવે, દિલ્હી-અંબાલા, દિલ્હી-ચંદીગઢના રસ્તાઓ પર ખેડૂતોએ માર્ગ પર જ જામ લગાવી દીધો હતો. દિલ્હીની ગાઝીપુર બોર્ડર, સિંધુ બોર્ડર, એન-એચ 9, એન-એચ 24 પર પણ ખેડૂતોના પ્રદર્શનના કારણે જામ લાગ્યો હતો.

ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે હરિયાણાના બહાદુરગઢ ખાતે રેલવે ટ્રેક પર ધરણા કરવામાં આવ્યા હતા. બિહારના પટના ખાતે પણ રાજદના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં રસ્તાઓ પર ઉતર્યા હતા.

સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો હતો કે ભારત બંધને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. પંજાબ, હરિયાણા, કેરળ, બિહારમાં સંપૂર્ણપણે શટડાઉન છે.તેમાં તમામ પ્રકારની સંસ્થાઓ, માર્કેટ અને ટ્રાન્સપોર્ટ બંધ છે. SKMના દાવા પ્રમાણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ તેમના ભારત બંધને સમર્થન મળી રહ્યું છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ખેડૂતોના સમર્થનમાં કહ્યું હતું કે ‘આ દુઃખની વાત છે કે, શહીદ ભગત સિંહના જન્મદિવસના રોજ ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કરવું પડી રહ્યું છે. જો આઝાદ ભારતમાં પણ ખેડૂતોનું નહીં સાંભળવામાં આવે તો પછી ક્યાં સાંભળવામાં આવશે? હું કેન્દ્ર સરકારને વિનંતી કરૂ છું કે શક્ય તેટલી ઝડપથી તેમની માગણીઓ સ્વીકારે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે, પરંતુ શોષણ કરતી સરકારને આ પસંદ નથી. કોંગ્રેસે પોતાના તમામ કાર્યકર્તાઓને ભારત બંધનો ભાગ બનવાનુ કહ્યું હતું.