રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારે વરસાદ અને તીડના આક્રમણથી ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 87 સ્થળે વરસાદ નોઁધાયો છે. વલસાડ, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ, સુરત સહિતના જિલ્લામાં સવા ઈંચથી માંડી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. તેમાં પણ વલસાડના ધરમપુરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને 3.32 ઈંચ તેમજ અમરેલીના લિલિયામાં 3.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

એકદંરે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેમજ કેટલીક જગ્યાએ મધ્યગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો. ચોમાસાના વિધિવત આગમન સાથે રાજ્યમાં મેઘમહેર છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોઁધાયો છે.

જેમાં વલસાડના ધરમપુરમાં 3.32 ઈંચ, અમરેલીના લિલિયામાં 3.24 ઈંચ, અમરેલીમાં 2.56 ઈંચ, ગીરસોમનાથના કોડિનારમાં 2.12 ઈંચ, જુનાગઢના ભેસણમાં 1.44 ઈંચ, અમરેલીના ખાંભામાં 1.36 ઈંચ, સુરતના મહુવામાં 1.24 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 1.16 ઈંચ, સુરતના માંગરોળમાં 1.12 ઈંચ, જુનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને ગીરસોમનાથના ઉનામાં 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 17 તાલુકામાં 1 મીમીથી લઈને 3.2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 5 મીમી, વરાછા-એમાં 6 મીમી, વરાછા-બીમાં 5 મીમી, રાંદેરમાં 19 મીમી, કતારગામમાં 10 મીમી, ઉધનામાં 1 મીમી, લિંબાયતમાં 2 મીમી અને અઠવામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં બારડોલી તાલુકામાં 3 મીમી, કામરેજમાં 4 મીમી, મહુવામાં 31 મીમી, માંગરોળમાં 28 મીમી, પલસાણામાં 3 મીમી, સુરત શહેરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.