પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં સરકારે ધોરણ-1થી 9 સુધીના બાળકોને 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. આમ ધોરણ 1થી 9 સુધીની સ્કૂલો હજુ ખુલશે નહીં. કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 5 ફેબ્રુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

નોંધનીય છે કે, સોમવાર, 31 જાન્યુઆરી સ્કૂલો બંધ રાખવાની મુદ્દતનો છેલ્લો દિવસ હતો માટે આજે સરકાર દ્વારા સ્કૂલો ખોલવા અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. અગાઉ કોરોનાના સંક્રમણ શાળાઓમાં વધતા 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોના વાયરસના નવા 6,679 કેસો નોંધાયા હતા, જ્યારે સામે 14,171 દર્દીઓ સાજા થયા હતો. જોકે કોરોનાના મોતનો દૈનિક આંકડો વધીને 35 થયો હતો.