મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારની હોટેલમાં આગથી એનઆરઆઇ કપલ સહિત કુલ ત્રણ વ્યક્તિના મોત થયા હતા. (ANI Photo)

મુંબઈની એક હોટેલમાં રવિવારે લાગેલી આગમાં એનઆરઆઈ કિશન હાલાઈ અને તેમની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયાનું મોત થયું હતું. તેઓ મહારાષ્ટ્રની રાજધાનીમાંથી ઉડાન ભરીને નૈરોબીમાં લગ્ન કરવાના હતાં, પરંતુ નિયતિને કંઇ બીજુ મંજૂર હતું.

ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર ગામના સરપંચ સુરેશ કારાએ જણાવ્યું હતું કે, કિશન, રૂપલ, તેની માતા અને બહેનને તેમની ફ્લાઇટ રિશિડ્યુલ કરવામાં આવ્યા બાદ સંબંધિત એરલાઇન્સ દ્વારા મુંબઈના સાંતાક્રુઝમાં ચાર માળની ગેલેક્સી હોટેલમાં રાખવામાં આવ્યાં હતા.

કિશન હાલાઈ અને વેકરિયાના પરિવારો રામપર ગામના છે. હોટલના ત્રીજા માળે રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી, જેમાં કિશન હાલાઈ (28), રૂપલ વેકરિયા (25) અને અન્ય એક વ્યક્તિ કાંતિલાલ વારા (50)નું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં રૂપલની માતા મંજુલાબેન (49), બહેન અલ્પા (19), અને એક અસલમ શેખ (48) ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સરપંચના જણાવ્યા અનુસાર, કિશન અને રૂપલના પરિવાર ઘણા વર્ષો પહેલા વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમના મૂળ સાથે જોડાયેલા રહ્યાં હતાં. તેઓના પૈતૃક મકાનો હજુ પણ રામપર ગામમાં છે. કિશન અને રૂપલની સગાઈ થઈ હતી અને તેઓ નૈરોબી પહોંચ્યા પછી ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં. તેઓ તેમના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે ઘણા વર્ષોથી નૈરોબીમાં રહેતાં હતાં. કિશન, રૂપલ અને તેમના પરિવારજનો લગભગ એક મહિના પહેલા કિશનના નાનાના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા હતા.

LEAVE A REPLY