Getty Images)

ગુજરાતમાં કોરોનાના કેસને મામલે જૂન મહિનામાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. જૂનના 21 દિવસમાં જ કુલ 10523 કેસ નોંધાયા છે અને 626 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, જૂન મહિનામાં પ્રતિ કલાકે કોરોનાના 20 નવા કેસ નોંધાઇ રહ્યા અને 1 થી વધુ વ્યક્તિ જીવ ગુમાવે છે.
ગુજરાતમાં માર્ચ સુધી 74 કેસ નોંધાયા હતા અને 6 વ્યક્તિના મૃત્યુ થયા હતા. એપ્રિલ માસમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને 4395 થયો હતો અને 214 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. મે મહિનામાં કોરોનાએ વધુ ગંભીર સ્થિતિ ધારણ કરી લીધી હતી. મે મહિનાના અંતે કુલ કેસ 16794 હતા અને મૃત્યુઆંક 1038 હતો. જૂન મહિનામાં 21માંથી 11 દિવસ 500થી વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે.
આ પૈકી છેલ્લા 9 દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના 5250 કેસ નોંધાયેલા છે. હાલ પ્રતિ દિવસે સરેરાશ 500 કેસ નોંધાઇ રહ્યા છે. એ જોતાં જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં કોરોનાના કેસનો આંક વધુ ઊંચે જાય તેવી દહેશત છે.