સાઉથ આફ્રિકના પ્રેસિડન્ટ સિરિલ રામફોસા 12 ઓગસ્ટ 2021ના રોજ જોહાનિસબર્ગમાં સ્ટેટ કેપ્ટર કમિશન સમક્ષ ઉપસ્થિત થયા હતા. REUTERS/Sumaya Hisham

સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામફોસાએ પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે સત્તાધારી આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં મતભેદોને કારણે કથિત ભ્રષ્ટાચારના કેસોમાં ભારતના વગદાર ગુપ્તા પરિવાર સામે યોગ્ય પગલાં લઈ શકાયા ન હતા.

સાઉથ આફ્રિકાના ડેપ્યુટી પ્રેસિડન્ટ અને પ્રેસિડન્ટ તરીકે ગુરુવારે સ્ટેટ કેપ્ચર કમિશન સમક્ષ ઉપસ્થિત થયેલા રામફોસાએ ગુપ્તા પરિવારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મહત્ત્વના લોકો વ્યુહાત્મક જગ્યાઓએ ગોઠવાયા હતા અને રાજ્યને સંપૂર્ણપણે લૂંટવામાં ભૂમિકા ભજવી હતી.

આફ્રિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જોકબ ઝુમા અને ત્રણ ગુપ્તા બંધુ વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતાં રામફોસાએ જણાવ્યું હતું કે તેઓએ વિવિધ માળખામાં પોતાની સુરક્ષિત બનાવી દીધા હતા. તેમને સ્વીકારવામાં આવ્યા હતા, તેમને મંજૂરી મળી હતી અને તેમને સંપૂર્ણ એક્સેસ મળ્યો હતો. તેથી અગાઉથી ચેતવણી મળી હોવા છતાં તેના પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગુપ્તા બંધુઓ પર સરકારી કંપનીઓ અને પ્રાંતિય સરકારો સાથે અબજો રેન્ડના ભ્રષ્ટાચારના આરોપ છે.

રામફોસાએ કમિશન સમક્ષ સ્વીકાર્યું હતું કે આ સંબંધો અંગે આફ્રિકન નેશનલ કોંગ્રેસના કેટલાંક સભ્યોએ પાર્ટીને સાવચેત કરવાના પ્રયાસ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હા, લાલ બત્તી કરવામાં આવી હતી અને ચેતવણીઓ મળી હતી. ગુપ્તા પરિવાર અમારી પાર્ટીના સર્વોચ્ચ નેતાના મિત્રો હોવાને કારણે તમામ ચેતવણી સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

રામફોસાએ રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળે એક પરિવારના સભ્યના ભવ્ય લગ્ન માટે ભારતથી મહેમાનો લઈને આવેલા વિમાનનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર તત્કાલિન સેક્રેટરી જનરલે આ વિમાનના ઉતરાણનો વિરોધ કર્યો હતો. ગુપ્તા બંધુઓ આ મુદ્દાની ચર્ચા કરવા પાર્ટીના હેડક્વાર્ટરમાં આવ્યા હતા.

ગુપ્તા બંધુઓ હાલમાં દુબાઇમાં હોવાનું માનવામાં આવે છે. અજય, અતુલ અને રાજેશ સહિતના ત્રણ ગુપ્તા બંધુ 1990ના દાયકામાં ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી પોતાના પરિવારો સાથે સાઉથ આફ્રિકા આવ્યા હતા. એક શોપિંગ સેન્ટરમાં એક સામાન્ય શૂ સ્ટોરમાંથી તેમણે મલ્ટિ મિલિયન રેન્ડનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. આ પરિવારે જેકબ ઝુમા સાથેના સંબંધોને કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આરોપ છે. ઝુમાને ગયા મહિને 15 મહિનાની જેલમાં મોકલવામાં આવ્યા હતા.