અમેરિકાના નવા પ્રેસિડન્ટ જો બાઇડનની સરકારે H-1B વિઝા અંગે અગાઉની ટ્રમ્પ સરકારની નીતિઓને અમલ વિલંબમાં નાંખવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેનાથી 31 ડિસેમ્બર સુધી H-1B વિઝા ઇશ્યુ કરવામાં લોટરી સિસ્ટમ યથાવત રહેશે. આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી રાહત મળે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીયોમાં H-1B વિઝા ખૂબ જ લોકપ્રિય છે.

ગયા વર્ષની શરુઆતમાં ટ્રમ્પ સરકારે H-1B વિઝાને લઇને નવી નીતિઓનો અમલ કરવાની જાહેરાત કરી હતી, જે હેઠળ લોટરી સિસ્ટમને ખતમ કરવાની સાથે પગાર અને મેરિટના આધારે વિઝા આપવાનુ નક્કી કર્યું હતું. ટ્રમ્પ સરકારના આ નિર્ણયને લીધે ભારતીયો માટે કપરી સ્થિતિ ઉભી થઇ હોવાનું માનવામાં આવતુ હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે ગુરુવારે એના એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે ટ્રમ્પ કાળમાં નવા નિયમોને 31 ડિસેમ્બર 2021 સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. હકીકતમાં આ નિયમો નવ માર્ચથી અમલમાં લાવવાના હતા. USCISએ જણાવ્યું હતું કે બાઇડન સરકારના નિર્ણયથી એચ1બી વીઝા પ્રક્રિયાને સુઘડ બનાવવામાં મદદ મળશે.

અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ વર્ષ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે વર્ક વિઝાના નિયમોને કડક કર્યા હતા. તેમણે કોરોના મહામારીને લીધે એચ1બી સહિત અલગ-અલગ પ્રકારના વર્ક વીઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવ્યો હતો. H-1B Visa ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે. જેના આધારે અમેરિકન કંપનીઓ હાઇ સ્કીલ વિદેશી નાગરિકોને નોકરી આપે છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના 85 હજાર વિઝા ઇશ્યુ કરવામાં આવે છે. આ વિઝાનો સમયગાળો 3 વર્ષનો હોય છે.