અમેરિકાની જુની H-1B વિઝા નીતિને કારણે ભારતીય મૂળના પ્રતિભાશાળીઓ હવે કેનેડા તરફ આકર્ષાયા હોવાનું ઇમિગ્રેશન અને પોલીસી એક્સપર્ટ્સે અમેરિકન નીતિ નિર્ધારકો (લોમેકર્સ)ને જણાવ્યું છે.
એક્સપર્ટ્સે તાજેતરમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અથવા તો કાયમી નિવાસમાં દેશ દીઠ સંખ્યા નક્કી કરી હોવાના મુખ્ય કારણથી કેનેડા તરફી ધસારો વધ્યો છે. એક્સપર્ટ્સે કોંગ્રેસને અરજ કરી છે કે, ભારતીય પ્રતિભાને અમેરિકામાંથી કેનેડા જતી રોકવા માટે ઝડપથી પગલા લેવા જોઇએ. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટુઅર્ટ એન્ડરસને જણાવ્યું હતું કે, વર્ષ નાણાંકીય વર્ષ 2030 સુધીમાં કોંગ્રેસની કાર્યવાહી વગર તમામ રોજગારી આધારિત તમામ ત્રણેય કેટેગરીમાં ભારતીયોની સંખ્યા વર્તમાન અંદાજિત 9,15,497થી વધીને 21,95, 795 પર પહોંચવાનો અંદાજ છે.
તેમણે હાઉસ જ્યુડિસિયરી કમિટી-સબકમિટી ઓન ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશિપ સમક્ષ રજૂ કરેલા તેમના પૂરાવામાં જણાવ્યું છે કે, ‘આપણે એ સંખ્યાને ઓછી કરવી જોઇએઃ એક દસકામાં, 2 મિલિયનથી વધુ લોકો રોજગારી આધારિક ગ્રીન કાર્ડ્ઝ માટે વર્ષો અથવા તો દસકાઓ સુધી રાહ જોતા હશે.’
પેનલ સમક્ષ તેમણે જુની યુએસ ઇમિગ્રેશન નીતિઓના કારણે ઉચ્ચ પ્રતિભાઓ કેમ બીજા દેશોમાં જાય છે તેના પૂરાવા રજૂ કર્યા હતા. એન્ડરસને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત ઉચ્ચ કૌશલ્ય ધરાવનાર વિદેશી નાગરિકો અમેરિકાના બદલે કેનેડાને પસંદ કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવું થવાનું કારણ એ છે કે, અમેરિકામાં H-1B વિઝા અંતર્ગત કામ કરવું અથવા તો કાયમી નિવાસ મેળવવો કેટલો મુશ્કેલ ભર્યો છે તે જોઇને કેનેડા તરફ લોકો આકર્ષાયા છે અને તેની સરખામણીએ કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી નાગરિકો માટે હંગામી સમયમાં કામ કરવું સરળ છે અને પછી તેઓ ત્યાં કાયમી નિવાસી થઇ શકે છે.
અમેરિકન સરકારના આંકડાનું નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP) દ્વારા વિશ્લેષણ અનુસાર વર્ષ 2016-17 અને 2018-19ની વચ્ચે અમેરિકન યુનિવર્સિટીઝમાં ગ્રેજ્યુએટ કક્ષાના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 ટકા કરતા વધુનો ઘટાડો નોંધાયો છે.
આ બાબતે ઘટાડાના મહત્ત્વને રાખવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સમાં અમેરિકન યુનિવર્સિટીઝમાં પૂર્ણકાલિન ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું લગભગ 75 ટકા પ્રતિનિધિત્વ કરે છે. શૈક્ષણિક વર્ષ 2016-17માં અમેરિકન યુનિવર્સિટીઝમાં ગ્રેજ્યુએટ કક્ષાએ કમપ્યુટર સાયન્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો બે-તૃતિયાંશ હિસ્સો ભારતમાંથી હતો.
કેનેડિયન બ્યૂરો ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશનના અનુસાર એ સમયે ઘણા ઓછા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા આવતા હતા. વર્ષ 2016માં કેનેડાની યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 76,075 હતી તે વર્ષ 2018માં વધીને 1,72, 625 હતી, એટલે કે તેમાં 127 ટકાનો વધારો નોંધાયો હતો.