અમેરિકાના H-1B વીઝા ભારતીયો માટે ખૂબજ મહત્ત્વના બની રહ્યા છે. દર વર્ષે આ વિઝા મેળવવા ભારતીયોનો મોટો ધસારો હોય છે. ગત વર્ષે મોટી સંખ્યા ભારતીયોએ આ વિઝા મેળવ્યા હતા. 2021માં ખાસ વિદેશી કામદારો માટેના યુએસ દ્વારા ઇસ્યુ કરાયેલા લગભગ ત્રણ-ચતુર્થાંશ H-1B વિઝા ભારતીયોને મળ્યા હતા. આ વીઝાની અમેરિકામાં કામ કરવા, રહેવા અને અંતે, અહીં જ સ્થાયી થવા માટે વ્યાવસાયિક મંજૂરી તરીકે ખૂબ જ માગ છે. તાજેતરમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જાહેર કરેલા તાજેતરના અહેવાલ મુજબ અમેરિકાએ 2021માં H-1B વિઝા માટે 407,071 અરજીઓ મંજૂર કરી હતી અને તેમાં 301,616 એટલે કે 74.1 ટકા ભારતીયોને મળ્યા હતા. આ ડીપાર્ટમેન્ટ ઈમિગ્રેશન બાબતોનું વ્યવસ્થાપન કરે છે. 2020માં મંજૂર થયેલી અરજીઓમાં ભારતીયોનો હિસ્સો 74.9 ટકા હતો.
માઈક્રોસોફ્ટ, એમેઝોન, ગૂગલ અને ફેસબુક જેવી ટોચની અમેરિકન કંપનીઓ આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં મોખરે છે.
આ વિદેશી કામદારોની ભરતી તેમના જન્મ અથવા રહેઠાણના દેશોમાંથી અથવા તો અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઝમાંથી કરાય છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ અમેરિકામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને H-1B પર કંપનીમાં લેવામાં આવ્યા હતા. તેમને અહીં શરૂઆતમાં ત્રણ વર્ષ રહેવાની અને કામ કરવાની મંજૂરી મળી હતી અને બીજા વિઝા મંજૂર થાય તો વધુ ત્રણ વર્ષ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વિઝા પર રહેતા લોકો મોટી સંખ્યામાં ગ્રીન કાર્ડ્સ મેળવી લે છે, જેથી તેમને કાયમી નિવાસની મંજૂરી મળે છે અને તેમને એમ્પ્લોયર્સ તરફથી સ્પોન્સર કરવામાં આવે છે.
ભારતીયોમાં ઘણા વર્ષોથી આ H1-B વિઝા પ્રોગ્રામ ખૂબ જ લોકપ્રિય છે અને તેના પર તેઓ મજબૂત પકડ ધરાવે છે. વિઝા મેળવવામાં ભારતીયો પછી ચીનના લોકો 12.1 ટકા સાથે બીજા ક્રમે છે. પછીના ત્રણમાં 0.9 ટકા સાથે કેનેડા અને સાઉથ કોરીઆ અને એ પછી 0.7 ટકા સાથે ફિલિપાઇન્સનો ક્રમ આવે છે.