ઈન્ડિયામાં 26/11ના મુંબઈ ઉપરના ત્રાસવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર, લશ્કરે તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને બુધવારે એક ત્રાસવાદ વિરોધી કોર્ટે બે અલગ અલગ કેસમાં દરેકમાં પાંચ વર્ષની કેદની સજા અને રૂ. 15,000 દંડ ફરમાવ્યો છે. બન્ને સજા એક સાથે ભોગવવાની રહેશે.

લાહોરની કોર્ટે હાફિઝ સઈદને લાહોર તથા ગુજરાંવાલાના બે કેસમાં દોષિત સાબિત થયેલો ગણાવી આ સજા ફરમાવી હતી. તેની સામે એક પ્રતિબંધિત ત્રાસવાદી જૂથનો સભ્ય હોવાના તથા ગેરકાયદે મિલકતો ધરાવતો હોવાના ગુના સાબિત થયાનું કોર્ટે જણાવ્યું હતું. તેની સામે પાકિસ્તાનની કોર્ટોમાં ત્રાસવાદ સંબંધી 23 કેસ થયા છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ 2008માં થયેલા મુંબઈ ઉપરના ત્રાસવાદી હુમલા પછી હાફિઝ સઈદ સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો. એ ઘટનામાં યુકે અને અમેરિકાના નાગરિકો સહિત કેટલાય વિદેશીઓ  તથા ભારતીયો મળી 166 લોકોના મોત નિપજ્યા હતા.

પાકિસ્તાને લાંબા સમય સુધી સઈદની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કર્યા હતા, તેને એક રીતે પ્રોત્સાહન પણ આપ્યું હતું. જો કે, સતત વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણના પગલે પાકિસ્તાને કાર્યવાહી કરી હતી.